અમદાવાદઃ ગુજરાતમાં કૉંગ્રેસમાં પાનખર ઋતુ ચાલી રહી છે. એક બાદ એક તેમના દિગ્ગજ નેતાઓ કૉંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે તો બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી પરત કરી રહ્યા છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કૉંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. જો કે ગઈકાલ રાત્રે રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયામાં પોતાનું નામ ઉમેદવાર તરીકે પરત ખેંચ્યું હોય તેવો લેટર પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટથી ગુજરાત કૉંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. આજે રોહન ગુપ્તાએ પોતાના નિર્ણય પર ખુલાસો કર્યો છે.
પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું મુખ્ય કારણઃ રોહન ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલા મારાં પિતાની સર્જરી કરવામાં આવી હતી. ગઈ કાલે અચાનક અનકોન્સિયસ થઈ ગયા હતા. 4 દિવસથી મારાં પિતા એડમિટ છે. તેમને એન્ઝાયટી થતી હતી. મારાં પિતાને મારી સાથે કઈંક ખોટું થવાનો ડર હતો. મેં પપ્પાને ચૂંટણી લાડવાનો આગ્રહ કર્યો પણ વાત વાતમાં તેઓ અનકોન્સિયસ થતા હતા. મેં તેમને કન્વીન્સ કરવાનાં ઘણા પ્રયત્નો કર્યા પણ હું સફળ નથી રહ્યો. મારાં કારણે મારાં પિતાને કઈ થાય તો હું ક્યારેય પોતાને માફ કરી શકુ નહી. મારા પિતાને મનાવી શક્યો નથી તેથી મેં ઉમેદવારી પરત ખેંચી છે.
ગદ્દારીના આક્ષેપ પર રોહન ગુપ્તાનો પ્રત્યુત્તરઃ રોહન ગુપ્તાના રાજીનામા બાદ તેઓ કૉંગ્રેસ પક્ષના ગદ્દાર હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો હતો. રોહન ગુપ્તાને આ વિષયક મેસેજ પણ મળ્યા હતા. રોહન ગુપ્તાએ પોતાને ગદ્દાર કહેતા અને ચીતરતા લોકોને કડક શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મને પક્ષ સાથે ગદ્દારી કરી હોય તેવા મેસેજ આવી રહ્યા છે. હું આ મેસેજ કરતા તમામ લોકોને કહેવા માંગું છું કે, મેં પક્ષે સોંપેલ દરેક જવાબદારી ઘણા વર્ષોથી સફળતાથી જવાબદારી નિભાવી છે. મારા પર ગદ્દારીના આક્ષેપ કરતા લોકો મારી વિનમ્રતાને મારી કમજોરી ન સમજે. હું કોંગ્રેસ પક્ષમાં જ રહીશ. મને ચૂંટણી લડવાનો જે વિશ્વાસ હતો તેં હું મારાં પિતાને ના આપવી શક્યો તેથી હું ઉમેદવાર તરીકે મારુ નામ પરત ખેંચી રહ્યો છું.
મનીષ દોશીની પ્રતિક્રિયાઃ કૉંગ્રેસે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી પક્ષના અગ્રણી એવા રોહન ગુપ્તાને તક આપી હતી. જો કે રોહન ગુપ્તાએ આ ઉમેદવારી પરત કરીને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ મુદ્દે ઈટીવી ભારતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સાથે વાતચીત કરી હતી. રોહન ગુપ્તાએ પોતાનું નામ ઉમેદવાર તરીકે પરત ખેંચ્યું તેના પર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હજારો કાર્યકર્તાઓમાંથી રોહન ગુપ્તાને પક્ષે તક આપી હતી. રોહન ગુપ્તાનો આ નિર્ણય અમારા માટે આંચકા સમાન છે. જો કે તેમના પિતા સત્વરે તંદુરસ્ત થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.