છોટાઉદેપુરઃ જિલ્લાના બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બુથ પ્રમુખ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન ને સંબોધવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપ કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જો કે બોડેલીની અલીપુરા ચોકડી પાસે રાજપુત સમાજ દ્વારા રુપાલા મુદ્દે કાળા વાવટા ફરકાવી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જશુ રાઠવાને જંગી બહુમતિથી જીતાડવા અપીલઃ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે છોટાઉદેપુર લોકસભા બેઠક 6,30,000 મતોથી જીતવા માટે કાર્યકરોને અપીલ કરી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતમોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
2024ની ચૂંટણી સુવર્ણ ઈતિહાસઃ આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર લોકસભાની બોડેલી ખાતે બુથ સિમિતિ બેઠક સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ છે. છોટાઉદેપુર બેઠક 6.30 લાખના મતે જશુ રાઠવાને જીતાડવા અમે સંકલ્પ કર્યો છે. જેટલું વધારે મતદાન થશે તે ભાજપ તરફેણમાં થશે. 2024ની ચૂંટણી સુવર્ણ ઈતિહાસ બનાવશે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સફળતા જોઈ બોખલાઈ ગઈ છે એટલે પાયા વિહોણા આક્ષેપો કરી ભાજપાને બદનામ કરવાનું કામ કરી રહી છે.
રાજપુત સમાજનું વિરોધ પ્રદર્શનઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રજપૂત સમાજની વાડીમાં સમાજની બહેનો અને આગેવાનો એક્ઠા થયા હતા. ખોડીયાર માતાના મંદિરે દર્શન કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન કર્યુ હતું. રૂપાલાની ટિકિટ કાપવામાં ના આવતા કાળા વાવટા ફરકાવી બોડેલીની અલીપુરા ચોકડી ઉપર પહોંચતા પોલીસ સાથે સંઘર્ષ થયો હતો. પોલીસે રજપુત સમાજના 50 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખના કાર્યક્રમ અગાઉ રાજપૂત સમાજનો આક્રોશ ફાટી નીકળતા છોટાઉદેપુર જિલ્લામાં હડકંપ મચી ગયો હતો. રાજપુતોએ સંકલ્પ લીધો છે કે આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે અને ગામેગામ ભાજપના કાર્યકર પ્રવેશવા દેવામાં આવશે નહીં.