સુરતઃ માંગરોળ તાલુકામાં સૌથી પહેલા મોટી પારડી ગામ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે બેનર્સ લગાડવામાં આવ્યા છે. આ બેનર્સમાં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી ભાજપાના એકપણ કાર્યકર્તા કે આગેવાને આ ગામમાં પ્રવેશ કરવો નહીં. મોટી પારડી ગામના રાજપૂતો સાથે ગામના અન્ય સમાજના લોકો પણ આ વિરોધમાં જોડાયા છે. મોટી પારડી બાદ હાલ બૉરિદ્રા સહિતના ગામોમાં પણ સ્થાનિક ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવીને બેનર્સ લગાડ્યા છે.
ભાજપના ગઢમાં જ વિરોધના સૂરઃ સુરત જિલ્લાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. સુરત જિલ્લામાં ભાજપની મજબૂત પકડ છે. જો કે હાલ રાતોરાત ભાજપ વિરૂદ્ધ વાતાવરણ ઊભું થતા ભાજપ ચિંતામાં મુકાઈ ગયું છે. સુરત જિલ્લા ક્ષત્રિય સમાજમાંથી આવતા અને ભાજપ સાથે જોડાયેલા ટોચના નેતાઓ મૌન થઈ ગયા છે. ભાજપ કંઈક સુખદ અંત લાવે એની રાહ આ નેતો જોઈ રહ્યા છે. રુપાલાના વિરોધમાં લગાડાયેલા બેનર્સ ભાજપ માટે રેડલાઈટ સમાન છે કારણ કે, બેનર્સમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી ભાજપાના એકપણ કાર્યકર્તા કે આગેવાનોને ગામમાં પ્રવેશબંધીની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યુ છે જેને લઈને અમારી લાગણી દુભાઈ છે. ભાજપ તેમની ટિકિટ રદ કરે. અમારું ગામ વર્ષોથી ભાજપ સાથે છે. અમારો વિરોધ ભાજપ કે નરેન્દ્ર મોદી સામે નથી, પરંતુ પરસોત્તમ રુપાલા સામે છે. ભાજપ સત્વરે રુપાલાની ટિકિટ રદ કરે તેવી અમારી માંગણી છે...રૂપેન્દ્ર સિંહ રાણા(સ્થાનિક આગેવાન, મોટી પારડી, માંગરોળ)