ભાવનગરઃ કોળી સમાજ માટે નાણાંપ્રધાન કનુ દેસાઈએ કરેલ વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો રાજ્યવ્યાપી બન્યો છે. ભાવનગર શહેરમાં અખિલ ભારતીય કોળી સમાજની યુવા પાંખ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં રેલી કાઢી પૂતળાદહન કરવામાં આવ્યું હતું. તેમજ કોળી સમાજે ભાજપને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
પોલીસ સાથે સંઘર્ષઃ અખિલ ભારતીય કોળી સમાજની યુવા પાંખે ભાવનગર શહેરમાં જિલ્લા પંચાયતથી નીકળીને કલેકટર સુધી રેલી યોજી હતી. ત્યારબાદ પૂતળાદહન કરવામાં આવ્યું હતું. પૂતળાદહન દરમિયાન પોલીસ સાથે કોળી સમાજના યુવાનોનો સંઘર્ષ પણ થયો હતો. કોળી સમાજના નેતાઓ દ્વારા કનુ દેસાઈ વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
2 દિવસમાં પગલાં લેવા માંગઃ અખિલ ભારતીય કોળી સમાજના યુવા પાંખ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યુવા પાંખના અધ્યક્ષ દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈએ કોળી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તે સંદર્ભે ભાજપ તાત્કાલિક 2 દિવસમાં પગલાં ભરે. જો બે દિવસમાં પગલાં નહિ લેવાય તો ભાજપનો બહિષ્કાર કરીને 7મેના રોજ ભાજપ વિરુદ્ધ સમગ્ર કોળી સમાજ મતદાન કરશે.
રાજ્યવ્યાપી વિરોધઃ અખિલ ભારતીય કોળી સમાજના યુવા પાખના પૂર્વ ઉપાધ્યક્ષ મુન્નાભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ભાજપને અનેક ધારાસભ્યોને કોળી સમાજે આપ્યા છે. કોળી સમાજે ક્યારેય કોઈ કોન્ટ્રાક્ટ કે કોળી કે ઠાકોર નિગમમાં ઉચ્ચ પદોની માંગણી નથી કરી. કોળી સમાજ મજૂરી કરીને પોતાના પેટ ભરવા વાળો સમાજ છે. આમ છતાં તેને લઈને ટિપ્પણી શા માટે કરવામાં આવી રહી છે. શું ભાજપે ક્ષત્રિય બાદ કોળી એમ અન્ય સમાજોના અપમાનનું લિસ્ટ બનાવ્યું છે ? કનુ દેસાઈ વિરુદ્ધ પગલાં ભરવામાં નહિ આવે તો કોળી સમાજના સૌથી વધારે મતદારો છે જે હાર અને જીત નિશ્ચિત કરી શકે છે. જો પગલા નહીં ભરાય તો ભાજપ વિરોધી મતદાન પણ કરી શકીએ છીએ. ભાવનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ કનુ દેસાઈનો વિરોધ કોળી સમાજ કરી રહ્યો છે.