ભાવનગરઃ લોકસભા ચૂંટણીમાં ભાજપે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નિમુબેન બાંભણીયા પર પસંદગી ઉતારી છે. ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં નિમુબેને પોતાના જીવનની શરુઆત, રાજકારણમાં પ્રવેશ અને પોતાના ઉદ્દેશ્ય વિશે વિગતવાર વાતચીત કરી છે.
પ્રાથમિક પરિચયઃ નિમુબેન બાંભણિયાના પિતા ભાવનગરના આનંદનગર વિસ્તારમાં વીમાના દવાખાના નજીક રહેતા હતા. નીમુબેનનો જન્મ 8મી સપ્ટેમ્બર 1966 ના રોજ થયેલો છે. હાલ તે 57 વર્ષના છે. નિમુબેનને 3 બહેનો અને 1 ભાઈ છે. નાનપણમાં માતાના નિધન બાદ પિતાજીના સાનિધ્યમાં નિમુબેને પોતાની જિંદગીને જાતે ઉછેરી હતી. નિમુબેન પોતાના સાસરે સુખી સંપન્ન છે.
B.Sc. સુધી શિક્ષણ: નિમુબેન બાંભણિયાએ પ્રાથમિક શિક્ષણ ભાવનગરની આનંદનગર વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી લીધું હતું. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ માટે તેમણે માજી રાજ ગર્લ્સ હાઈસ્કુલમાં એડમિશન મેળવ્યું હતું. પિતાના કહેવાથી નિમુબેન બાંભણિયાએ માજી રાજ હાઈસ્કુલમાં પ્રથમ વખત જાહેર થયેલા સાયન્સમાં પ્રવેશ લીધો હતો. સાયન્સમાં નિમુબેન પ્રથમ આવ્યા હતા. ત્યારબાદ તેમણે સર પી પી ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ, ભાવનગર યુનિવર્સિટીમાંથી B.Sc. પૂર્ણ કર્યુ હતું. કોલેજ કાળમાં તેઓ સારા દોડવીર હતા. તેમને એથ્લેટિકમાં શિલ્ડ પણ મળ્યો હતો. હાલમાં તેઓ એન. જે. વિદ્યાલય શાળા ચલાવે છે. તેમાં તેણી શિક્ષિકા તરીકે પોતાનું જ્ઞાન પીરસી રહ્યા છે.
રાજકીય સફરઃ ભાવનગર શહેરમાં મહા નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા નિમુબેન બાંભણિયાને 2005માં પ્રથમ ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ 3 ટર્મ સુધી તેમને ટિકિટ મળતા તેઓ જીત્યા હતા. 3 ટર્મ સુધી તેઓ નગર સેવક રહ્યા હતા. જો કે આ ગાળા દરમિયાન તેમને 2 ટર્મ માટે મેયર પદ પણ આપવામાં આવ્યું હતું. મેયર પદ ઉપર રહીને પણ નિમુબેન બાંભણિયાએ વિકાસના કામો કર્યા હતા. જો કે નિમુબેન બાંભણીયા ક્યારેય પણ કોઈ આક્ષેપબાઝી કે વિવાદોમાં ઘેરાયા નથી. જેને પગલે તેમની છબી સ્વચ્છ રહી છે. હવે ભાજપે તેમને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે તેથી તેણી સાંસદની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.