ભાવનગરઃ શહેરમાં ભાજપનું લાભાર્થી સંમેલન 26 તારીખના રોજ કરવામાં આવ્યું હતું. શહેરના ભાજપ કાર્યાલય ખાતે ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગ પરમાર અને હેમાલી બોઘાવાલા આવ્યા હતા. તેમણે બોટાદ, ભાવનગર ગ્રામ્ય અને મહાનગરના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોને મોડી રાત સુધી સાંભળ્યા હતા. જો કે ભાવનગર રાજકારણમાં આ લાભાર્થી સમ્મેલનને સેન્સ પ્રક્રિયાની બેઠક હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
કોળી કે પટેલ સમાજના ઉમેદવાર માટે સેન્સઃ ભાવનગરના શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નેતાઓ સાથે યોજાયેલી બેઠકમાં શું ચર્ચા થઈ તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે પીઢ પત્રકાર લાભભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે જેમ ભારતીબેન શિયાળ સારી લીડથી જીત્યા હતા તેમ કદાચ આ વખતે ફેરફાર થાય અને કોળી સમાજના કોઈ અન્ય નેતા આવે તો સારી લીડ મળી શકે તેમ છે. બોટાદ જીલ્લો વિરોધમાં જાય તો ફેરફાર થઈ શકે અને કોળી સમાજ એક થાય તો પટેલ સમાજના ઉમેદવારને જીતવું મુશ્કેલ બની શકે છે. જોકે સેન્સમાંથી ઉપરથી બોલાવ્યા હોય તે લોકો અહીંયા ચર્ચા કરતા હોય છે અને આગેવાનો સાથે ચર્ચા હોઈ શકે. કોળી કે પટેલ સમાજના ઉમેદવારને મૂકવા જોઈએ તેવો મત મેળવતા હોય છે.
અમે પાર્ટીના નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે આવ્યા છીએ. જેમાં ગીર સોમનાથથી માનસિંગભાઈ, સુરતથી હેમાલીબેન આવ્યા છે. અમે બોટાદ, ભાવનગર ગ્રામ્ય અને મહનગરના કાર્યકરોની સાથે લાભાર્થી સંમેલન થવાનું છે તેને લઈને ચર્ચાઓ કરી છે. પાર્ટીના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે માટે અમે આવ્યા છીએ...ઝવેરીભાઈ ઠકરાર(નેતા,ભાજપ)
ભાવનગર સંસદીય વિસ્તારની જો વાત કરવામાં આવે તો વસ્તીની દ્રષ્ટિએ કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે. બીજા નંબરની દ્રષ્ટિએ પાટીદાર સમાજ છે. જો કે હાલમાં પાટીદાર સમાજની ગામડાની વસ્તીમાં મોટાભાગે 50થી 51માં કોઈ મતદાર નથી. મોટાભાગે બધા બહાર છે અને મોટાભાગે મતદાર યાદીમાંથી નામ પણ નીકળી ગયા છે...લાભભાઈ કાત્રોડીયા(વરિષ્ઠ પત્રકાર,ભાવનગર)