ગાંધીનગરઃ આવનારા દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણી આવી રહી છે. ગુજરાત સરકારે સરકારી અધિકારીઓએ લોકસભાની અને વિધાનસભાની પેટાચૂંટણીમાં વર્તન અને અભિગમને લગતી સૂચનાઓ દર્શાવતો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં કેટલાક નિયમો અને આદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકીય સંગઠનનો ભાગ ન બની શકેઃ ગુજરાત સરકારના જીએડી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લેવા બાબતે કોઈપણ સરકારી કર્મચારી, કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠનનો સભ્ય બની શકશે નહી. આ ઉપરાંત કોઈપણ રાજકીય પક્ષને લાભ થાય તેવી રાજકીય ચળવળ કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.
સ્થાપિત સરકારી વિરોધી પ્રવૃત્તિ ન કરી શકેઃ કાયદાથી સ્થપાયેલ સરકાર વિરુદ્ધ સીધી કે આડકતરી રીતે થતી પ્રવૃત્તિમાં સરકારી કર્મચારી જોડાઈ શકશે નહીં. આ કર્મચારીના પરિવારનો કોઈ સભ્ય આવી સરકાર વિરોધી પ્રવૃત્તિમાં ભાગ લે તો તેને કર્મચારીએ અટકાવવાનો રહેશે. જો તે તેમ ન કરી શકે તો સરકારને જાણ કરવાની રહેશે.
સીધી કે આડકતરી રીતે પ્રચાર કરી શકશે નહીંઃ કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ ચૂંટણીમાં સીધી કે આડકતરી રીતે પ્રચાર કરી શકશે નહીં. તેમજ પ્રચારમાં દખલ પણ કરી શકશે નહીં. કર્મચારી પોતાની વગનો ઉપયોગ પણ કરી શકશે નહીં.
મતદાન પર અસર થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીંઃ કર્મચારીએ ચૂંટણીના સંચાલન અથવા તેની વ્યવસ્થઆમાં ઉમેદવારની ચૂંટાવવાની સંભાવના વધારવા માટે કોઈ કૃત્ય કરવું નહીં. અન્ય મતદાતાના મતદાન પણ કોઈપણ પ્રકારની અસર પડે તેવી પ્રવૃત્તિ કરવી નહીં.