અમદાવાદઃ લોકસભા ચૂંટણીના 2 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 3જા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે. ADR દ્વારા ગુજરાતના લોકસભા ચૂંટણીના તમામ ઉમેદવારનું ડેટા એનાલિસીસ દર્શાવતો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારોનો અભ્યાસ, ઉંમર, સંપત્તિ, ગુનાહિત ઈતિહાસ, ફોજદારી ગુનાઓ વગેરેની માહિતી રજૂ કરવામાં આવી છે.
ઉમેદવારોની સંપત્તિઃ ગુજરાતમાં કોંગ્રેસે ઊભા કરેલા ઉમેદવારોમાં 68 પૈકી 60 ઉમેદવારો, ભાજપના 82 પૈકી 77 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે દેશના 10 ધનિક ઉમેદવારોમાં 5 બીજેપીના, 2 કોંગ્રેસ, 1 SP , 1 NCP અને 1 અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી ધનવાન ઉમેદવાર ગોવામાં ભાજપના પલ્લવી ડેમ્પો છે. જેમની કુલ મિલકત 1361 કરોડ રુપિયા છે. ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતો ઉમેદવારોમાં બીજેપીના 3 ઉમેદવાર પૂનમ માડમ 147 કરોડ, અમિત શાહ 65 કરોડ, સી આર પાટિલ 39 કરોડનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા 3 ઉમેદવારોમાં BSPના રેખા ચૌધરી 2000, કોંગ્રેસના નિલેશ વસાઈકર 12,841 જ્યારે અન્ય એક અપક્ષ ઉમેદવાર 13, 841નો સમાવેશ થાય છે. ગુજરાતના સૌથી વધારે દેવુ ધરાવતા ઉમેદવારની વાત કરીએ તો બીજેપીના પૂનમ માડમ પર 53 કરોડ, કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર 9 કરોડનું દેવું અને જેની ઠુંમર પર 3 કરોડનું દેવું છે.
ગુનાહિત ઈતિહાસઃ ગુજરાતના ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસનો ડેટા જોતા ભાજપના 26 પૈકી 4 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચૈતર વસાવા પર 13 કેસ, અનંત પટેલ પર 4 કેસ, અમિત શાહ પર 3 કેસ, હીરાભાઈ જોટવા પર 2 કેસ, છોટુ વસાવા ના પુત્ર દિલીપ વસાવા પર 1 કેસ, રાજેશ ચુડાસમા પર 1 કેસ, ગેનીબેન ઠાકોર પર 1 કેસ, હેમતસિંહ પટેલ પર 2 કેસ, ચંદનજી ઠાકોર પર 1 કેસ, સુખરામ રાઠવા પર 1 કેસ જશુભાઈ રાઠવા પર 1 કેસ નોંધાયેલ છે. આમ, ગુજરાતના 266 ઉમેદવારો પૈકી 14 ટકા ઉમેદવારી સામે ક્રીમિનલ કેસ નોંધાયેલા છે.
ચૈતર વસાવા પર 13 ક્રીમિનલ કેસઃ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા અને અપક્ષના ઉમેદવાર ઈસ્માઈલ અહેમદ પટેલ પર સૌથી વધુ ક્રીમિનલ કેસ છે. ચૈતર વસાવા પર 13 ક્રીમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 17 ગંભીર ગુનાની જ્યારે 56 અન્ય કલમો ગાડાઈ છે. આ કલમોમાં ધાડ, છેડતી, ઘરોફડ, ઉશ્કેરણી જનક સ્પીચ, આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા સહિતની કલમ હેઠળના ગુના નોંધાયેલા છે. ઈસ્માઇલ પટેલ વિરુદ્ધ 13 ગુના નોંધાયેલા છે જેમાંથી 12 ગંભીર ગુનાની અને 18 અન્ય કલમ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.
અભ્યાસ અંગેની માહિતી
ક્રમ | અભ્યાસ | ઉમેદવાર |
01. | 5 પાસ | 25 |
02. | 10 પાસ | 38 |
03. | 12 પાસ | 46 |
04. | ગ્રેજ્યુએટ | 32 |
05. | ગ્રેજ્યુએટ પ્રોફેશનલ | 24 |
06. | પોસ્ટ ગ્રેજ્યુએટ | 19 |
07. | ડોક્ટરેટ | 5 |
08. | ડિપ્લોમા | 14 |
ઉમર પ્રમાણેની વિગત
ક્રમ | વર્ષ અંતરાલ | ઉમેદવાર |
01. | 25-30 વર્ષ | 16 |
02. | 31-40 વર્ષ | 61 |
03. | 41-50 વર્ષ | 88 |
04. | 51-60 વર્ષ | 60 |
05. | 61-70 વર્ષ | 35 |
06. | 71-80 વર્ષ | 6 |