તાપીઃ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા તાપી જિલ્લાના એકવાગોલણ ગામમાં એક પણ પાયાની સુવિધા નથી. ડુંગરો વચ્ચે આવેલા આ આદિવાસી ગામમાં આજે પણ પાણી, લાઈટ, આરોગ્ય, 5પછી ના અભ્યાસની જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. વિરોધાભાસ એ છે કે આ ગામ દરેક ચૂંટણીમાં 100 ટકા મતદાન કરે છે. તેમ છતાં આ ગામમાં એકપણ રાજકીય પક્ષે વિકાસ પહોંચાડ્યો નથી.
સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામઃ તાપી જિલ્લામાં આ ગામની સૌથી ઓછી વસ્તી છે. આ ગામમાં લગભગ બસો જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. એકવાગોલણ ગામના લોકો પશુપાલન તથા ખેતી પર નિર્ભર છે. આ ગામનો સમાવેશ મેઢા જૂથ ગ્રામપંચાયતમાં કરવામાં આવ્યો છે.
કોઈ પ્રચાર કરવા પણ આવતું નથીઃ લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોઈ પણ રજ્યકીય પક્ષ કે ઉમેદવાર અહીં પ્રચાર માટે ફરક્યો નથી. અહીંના લોકો આજે પણ આરોગ્ય, મોબાઈલ ટાવર, બસ, રેશનિંગ અનાજ, રોડ, પાણી તથા ખેતી માટે વીજળીની સુવિધા ઝંખી રહ્યા છે. સરકાર પાસે આ સુવિધાઓ સત્વરે મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે.
એકવાગોલણ ગામના મનીષ ગામીત, જલુંભાઈ ગામીત અને કર્માભાઈ ગામીતનું કહેવું છે કે, ગામમાં પશુપાલન અને ખેતી માટે થ્રી ફેસ વીજળીની સુવિધા આપવામાં આવે. ગામમાં રોડ રસ્તા ન હોવાને કારણે 108 સમયસર પહોંચી શકતી નથી. ધો. 5 પછી અભ્યાસ કરવા માટે બાળકોએ બીજા ગામમાં જવું પડે છે. સરકાર અમારા ગામમાં પાયાની સુવિધાઓ પૂરી પાડે તેવી અમારી માંગણી છે.