સુરતઃ શહેર ભાજપના કાર્યકર્તાઓ હાલ પ્રચાર માટે શાકભાજી માર્કેટના વેપારીઓને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી રહ્યા છે. શાકભાજી લેવા માટે મોટી સંખ્યામાં લોકો માર્કેટ આવતા હોય છે. સુરત શહેર અને જિલ્લાના નવ વિધાનસભા બેઠકમાં 7મી મેના રોજ મતદાન થશે. તેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શાકભાજી અને ફ્રુટ માર્કેટમાં જઈને વિક્રેતાઓને ખેસ અને ટોપી પહેરાવીને અપીલ કરી રહ્યા છે કે જે લોકો આવે તેમને જણાવવામાં આવે કે તેમના વિસ્તારમાં મતદાન થનાર છે અને તેઓ પણ પોતાના વતન બિહાર અને યુપીમાં પરિવારને લોકોને જણાવે કે મતદાનના દિવસે જઈને મતદાન ચોક્કસ કરે.
મતદાન વિશે જાણ થશેઃ ભાજપના કાર્યકર્તા સની રાજપૂતે જણાવ્યું હતું કે, અમે હાલ શહેરના તમામ ફ્રુટ અને શાકભાજી બજારમાં જઈ રહ્યા છીએ. અહીં આવીને જેટલા પણ વેન્ડર્સ છે તેમને ટોપી અને ખેસ પહેરાવીએ છીએ. જેથી ગ્રાહકોને ખબર પડે કે મતદાન આ વિસ્તારમાં થવાનું છે. આ વિક્રેતાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના વતન જઈને મતદાન કરે અથવા તો પોતાના પરિવારને જણાવે કે મતદાન અવશ્ય કરે કારણ કે યુપી-બિહાર-રાજસ્થાન સહિતના રાજ્યોના લોકો મોટી સંખ્યામાં અહીં વેપાર કરે છે. જ્યાં હાલ ચૂંટણી થવાની છે.
મતદાનની અપીલઃ શાકભાજી માર્કેટમાં ફ્રુટ વિક્રેતા અક્રમભાઈએ જણાવ્યું હતું કે, આ રીતે ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે જે મારી દ્રષ્ટિએ યોગ્ય છે. હાલ ભાજપે ગુજરાતમાં વિકાસ કર્યો છે અને યુપીમાં પણ લો ઍન્ડ ઓર્ડર જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ છે. હું યુપીમાં રહેતા મારા પરિવારને મતદાનના દિવસે મતદાન માટે જવા ચોક્કસ કહીશ.