કચ્છઃ લોકસભા સામાન્ય ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતાના વિજય માટે વિવિધ પ્રયાસો દ્વારા મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે હજારો મતદારો કોઈ પણ પાર્ટીના ઉમેદવાર કે અપક્ષ ઉમેદવારની તરફેણમાં મતદાન નથી કરતા અને NOTA એટલે કે None of the Above માં પોતાનું મતદાન કરે છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 58.71 ટકા મતદાનઃ કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2019 એટલે કે ગત ટર્મની લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા 3.05 લાખની લીડથી વિજય બન્યા હતા અને સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 17,43,825 મતદારો પૈકી10,24,512 જેટલા મતદારોએ મતદાન કર્યુ હતું એટલે કે 58.71 ટકા જેટલું મતદાન કચ્છ લોકસભા બેઠક પર થયું હતું.
2019માં NOTAમાં 18,761 મતઃ વર્ષ 2019માં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 6,37,034 મત, કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને 3,31,521 મત, BMPના ઉમેદવાર દેવજી મહેશ્વરીને 10,098 મત, BSPના ઉમેદવાર લખુભાઈ વાઘેલાને 7448 મત મળ્યા હતા. જ્યારે NOTAમાં 18,761 જેટલા મતદરોએ મતદાન કર્યુ હતું એટલે કે 1.83 ટકા મતદારો એવા હતા કે જે કોઈ પણ ઉમેદવારને મત આપવા ઈચ્છતા ન હતા. વર્ષ 2014ની ચૂંટણીની સરખામણીએ મતદાનની ટકાવારી પણ 3 ટકા જેટલી ઘટી હતી તો NOTAમાં મતદાન કરનારા મતદારોમાં નજીવો 0.05 ટકાનો વધારો નોંધાયો હતો.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 61.78 ટકા મતદાનઃ કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા 2.54 લાખની લીડથી વિજય બન્યા હતા અને સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં 15,32,919 મતદારો પૈકી 9,47,525 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું એટલે કે 61.78 ટકા જેટલું મતદાન કચ્છ લોકસભા બેઠક પર થયું હતું.
2014માં NOTAમાં 16,879 મતઃ વર્ષ 2014માં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 5,62,855 મત, કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારને 3,08,373 મત, BMP ના ઉમેદવાર હીરજી સીજુને 21,106 મત, BSP ના ઉમેદવાર કમલ માતંગને 21,230 મત મળ્યા હતા,આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદ દનીચાને 15,797 મત તો NOTA માં 16,879 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું એટલે કે 1.78 ટકા મતદારો એવા હતા કે જે કોઈ પણ ઉમેદવારને મત આપવા ઇચ્છતા ના હતા.
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કુલ 19,39,150 મતદારોઃ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે કચ્છ-મોરબી લોકસભા બેઠક પર 7 વિધાનસભા બેઠકો પર કુલ 19,39,150 જેટલા મતદારો નોંધાયા છે ત્યારે જોવું એ રહ્યું કે જેમ છેલ્લી 2 ટર્મથી NOTAમાં મતદાન કરનારા મતદારોની સંખ્યા વધી રહી છે ત્યારે આ વખતે કેટલા લોકો NOTAમાં મતદાન કરશે.