મહેસાણાઃ આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા મહેસાણાના વીજાપુરમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં લોકસભા બેઠકના ઉમેદવાર હરિ પટેલ અને વીજાપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર સી. જે. ચાવડાને મોટી લીડથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રચારમાં મુખ્યપ્રધાન ઉપરાંત આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, પૂર્વ અને હાલના ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપની સિદ્ધિઓ વર્ણવીઃ મહેસાણાના વીજાપુરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ભાજપની પ્રચારસભા યોજાઈ હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પહેલી વખત એવી ચૂંટણી થઈ રહી છે કે જેમાં જન-જનનો અવાજ છે કે નરેન્દ્ર મોદીને 3જી વખત વડાપ્રધાન બનાવવાના છે. જનતાને ડબલ વિશ્વાસ છે. જે કામ માટે મોકલ્યા હતા તે કામ કરીને વડાપ્રધાન દેશનો વિશ્વાસ જીતી શક્યા છે. ચૂંટણીમાં આ વખતે નરેન્દ્ર મોદીને 3જી વખત વડાપ્રધાન બનાવીએ તે મુખ્ય મુદ્દો છે. વિશ્વમાં 11મા સ્થાને થી 5મા સ્થાનની આર્થિક તાકાત ભારત બન્યું છે. અત્યાર સુધી GSTની આવક રેકોર્ડ બ્રેક થઈ છે. મોદી આવ્યા બાદ મોટા પરિવર્તનો આવ્યા છે. રેલવેનું ઈલેક્ટ્રિફીકેશન 1947થી 2014 સુધી 21800 km થયું છે. 2014થી 2024 સુધી 380650 km ઈલેક્ટ્રિફિકેશન થયું છે.
વડાપ્રધાન ખુદ ગેરંટર બન્યાઃ મુખ્યપ્રધાને વડાપ્રધાન મોદીના ગેરંટર બનવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, બેરોજગારી માંથી નીકળવા 2003માં નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ રજૂ કર્યુ. 2024માં વાયબ્રન્ટની 10મી કડી પૂરી કરી. દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100થી વધુ ગુજરાતમાં છે. સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય દેશમાં ગુજરાત છે. બેંક માંગે એમાંથી એકેય પેપર ના હોય તો પણ મોદી નાના માણસોના ગેરંટર બન્યા અને 30 લાખ કરોડ લોન મુદ્રા યોજના હેઠળ આપી. 70 વર્ષથી ઉપરના વ્યક્તિની આરોગ્યની ગેરંટી નરેન્દ્ર મોદીએ લીધી છે. સેવા કરવી હોય તો સુશાસન આપવું પડે. ગ્રીન એનર્જીમાં ગુજરાત નો મોટો ફાળો હશે.
આઝાદીની લડતમાં કોંગ્રેસે ભાગ લીધો હતો એટલે આ દેશ પર રાજ કરવાનો અધિકાર છે તેવું કોંગ્રેસ માને છે. કોંગ્રેસની હાલત બુઝાતા દીવા જેવી થઈ છે. મતદાતાઓએ મત કુટીર નહિ પણ રામ કુટીરમાં જવાનું છે. મત પેટી નહિ એ યજ્ઞ પેટી છે એમ માનીને મત આપવા જવાનું છે...ઋષિકેશ પટેલ(આરોગ્ય પ્રધાન)
આજે જનતાને અમે મળીએ છીએ તો અમારુ સ્વાગત જય શ્રી રામ, વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે કરે છે. આજે વીજાપુરમાં તળાવમાં પાણી, 24 કલાક વીજળી જેવી સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે...સી. જે. ચાવડા(વીજાપુર વિધાનસભા બેઠક ઉમેદવાર, ભાજપ)