તાપીઃ 23 બારડોલી લોકસભા ના ભાજપ ના ઉમેદવાર અને આજ બેઠક પર 2 ટર્મથી સાંસદ એવા પ્રભુ વસાવાને ભાજપ દ્વારા સતત 3જી વાર ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણીને આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે પ્રભુ વસવાએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુનખડી ગામે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
મોબાઈલ ટાવરનું વચન આપ્યુંઃ સતત 2 ટર્મથી સાંસદ અને 23 બારડોલી લોકસભાના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ ગુનખડી ગામે જનસભા સંબોધી હતી. જેમાં સોનગઢ તાલુકાના સરપંચો, પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહ્યા હતા. ગુનખડી વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક લાવવાની વાત પ્રભુ વસાવાએ કરી હતી.
ફેક ફેસબૂક એકાઉન્ટઃ ગત દિવસો અગાઉ પ્રભુ વસવાનું ફેસબૂક પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તેમના એકાઉન્ટને હેક કરવાના પ્રયાસો પણ અજાણ્યાં ઈસમ દ્વારા કરવામાં આવ્યા હતા. તેથી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, મારું ડમી એકાઉન્ટ બનાવીને હેક કરવાની કોઈએ કોશિશ કરી છે અને તે માટે ફરિયાદ પણ કરવામાં આવી છે. બાકી આગળ જે કાંઈ તપાસમાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હું ઘરડો થયો નથીઃ પ્રભુ વસાવાને કૉંગ્રેસના યુવા ઉમેદવાર વિશે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું પણ ઘરડો થયો નથી. તાપી જિલ્લો હોય કે ગુજરાત ક્યાંય પણ કૉંગ્રેસની 5 પૈસાની સત્તા નથી તેથી કૉંગ્રેસ ઉમેદવારને પ્રજા નકારી કાઢશે અને પ્રજા 10 વર્ષમાં જે કામો થયા છે તેને પણ યાદ રાખશે.