ભાવનગરઃ આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગરની લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાની જાહેરાત કરાઈ છે. જ્યારે કૉંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન જાહેર કરી દીધું છે. જોકે ભાજપ દ્વારા હજૂ સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાવનગરની લોકસભા બેઠક ઉપર હંમેશા કોળી અને પટેલ સમાજના ઉમેદવાર પર પક્ષો પસંદગી ઉતારતા આવ્યા છે. આ વખતની લોકસભાની ચૂંટણી કોળી અને પટેલ સમાજના ઉમેદવારોની વચ્ચે લડાશે કે શું તેવો સવાલ સર્જાયો છે.
કોળી સમાજનું પ્રભુત્વઃ ભાવનગર લોકસભાની બેઠક ઉપર ઇતિહાસ ઉપર નજર નાખવામાં આવે તો 1980 થી લઈને આજ દિન સુધીમાં કોળી સમાજ,પટેલ સમાજ, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના ઉમેદવારો જે તે પક્ષ દ્વારા ઉતારવામાં આવેલા છે. ભાવનગરની લોકસભા બેઠક ઉપર અને ધારાસભાની બેઠક ઉપર સૌથી વધુ મતદારોના ક્રમાંકમાં કોળી સમાજ પ્રથમ નંબરે રહ્યો છે. ત્યારબાદ પટેલ સમાજ અને ત્યારબાદ ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજ આવે છે. ત્યારે આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં પક્ષો કયા સમાજના ઉમેદવાર ઉપર પસંદગી ઉતારી શકે છે તેને લઈને રસાકસી જામી છે.
આપ, કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવારોઃ ભાવનગર લોકસભા બેઠક ઉપર સૌથી પહેલા ઉમેદવાર જાહેર કરવાનો આમ આદમી પાર્ટી દ્વારા ઘા મારી દેવામાં આવ્યો છે. ભાવનગરની લોકસભા બેઠકો પર કોળી સમાજના ઉમેશ મકવાણાને જાહેર કરી દેવામાં આવ્યા છે, તો કૉંગ્રેસ દ્વારા એક ડગલું પાછળ લઈને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી લેવામાં આવ્યું છે. મતલબ સાફ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે ભાજપના ઉમેદવારની સીધી જંગ થશે. કોળી સમાજના ઉમેદવારને જાહેર કરીને કોળી સમાજની સાથે પોતાની કડી જરૂર આમ આદમી પાર્ટીએ જોડી લીધી છે. ત્યારે બીજી તરફ ભાવનગરમાં ભાજપ દ્વારા હાલ ચર્ચામાં રહેલા નામ પ્રમાણે મનસુખભાઈ માંડવીયા ઉમેદવાર મનાઈ રહ્યા છે. ભાવનગરની લોકસભાની બેઠકને લઈને ETV BHARAT દ્વારા પીઢ પત્રકાર અરવિંદભાઈ ત્રિવેદી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર ઉમેશ મકવાણા જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કૉંગ્રેસે ગઠબંધન જાહેર કરી દીધું છે. ભાજપમાં મનસુખભાઈને ટિકિટ આપવાની વાત હાલ ચાલી રહી છે જો તેવું બને તો રસાકસી જરૂર ગણાય. જો કે મનસુખભાઈને અમરેલી અથવા તો ભાવનગર બેઠક ઉપર ટિકિટ આપવાની પણ ચર્ચા છે. ભાજપે હંમેશા ઉમેદવારમાં કંઈક નવું કરવાનું છેલ્લી ઘડીએ ટેવ ધરાવે છે, જો એવું થાય તો સમીકરણ ફરી બદલાઈ જાય છે. પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરીને આમ આદમી પાર્ટીએ જરૂર કહી દીધું છે કે આગામી આવનાર લોકસભાની ચૂંટણી 'વનવે' નહિ હોય પરંતુ રસાકસી વાળી તો જરૂર રહેવાની છે...અરવિંદ ત્રિવેદી(વરિષ્ઠ પત્રકાર, ભાવનગર)