પોરબંદર: લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી અંગે 4 જૂન એટેલે કે આજે મતગણતરી છે, ત્યારે પોરબંદર વિધાનસભા અને લોકસભા બેઠક પર અનેક લોકો તર્ક વિતર્ક લગાવી રહ્યા છે. બધે એક જ ચર્ચા છે કે કોણ જીતશે અને કોની થશે. આ સમગ્ર બાબતમાં પોરબંદરમાં થયેલ ઓછું મતદાનની અસર વધુમાં વધુ પડે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવારો માંડ માંડ જીતે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા: પોરબંદરની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારમાં આવેલ સાતે વિધાનસભા વિસ્તારમાં પૂરજોશથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, અને મોટાભાગના તમામ વર્ગોને આવરી લેવામાં આવ્યા હતા. પરંતુ, ઉપલેટા અને ધોરાજીમાં માંડવીયા આયાતી ઉમેદવાર હોવાના બેનરો લાગ્યા હતા અને ભાજપ સાથે જોડાયેલા લોકો દ્વારા જ સોશિયલ મીડિયામાં પણ માંડવીયા વિરુદ્ધ આયાતી ઉમેદવાર હોવાનો પ્રચાર કરવામાં આવ્યો હતો.પરંતુ કેન્દ્રીય મંત્રીના હોદા પર હોવાના કારણે અને વિકાસના નામથી લોકો તેમને જીતાવી પણ શકે. આથી, કહી શકાય કે મનસુખ માંડવિયાએ ધારેલી લીડ ન પણ આવી શકે. ત્યારે લલિત વસોયાએ પોતાના વિસ્તાર ઉપલેટા અને ધોરાજી માં જ પ્રયત્ન કર્યો હતો. તેઓ પોરબંદરમાં પ્રચાર પ્રસાર કરવામાં નબળા હોવાનું પણ સામે આવ્યું છે .જેના લીધે પરિણામ પર અસર પડી શકે છે. અને મનસુખ માંડવીયાની લીડમાં અસરકારક ઘટાડો થઈ શકે છે.
અર્જુનભાઈ મોઢવાડિયાને ધાર્યું પરિણામ નહીં મળે: પોરબંદર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે અર્જુનભાઈ મોઢવાડિયા પ્રથમવાર ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અનેક લોકો તેમના પક્ષ પલટા કરવાથી નારાજ છે. બીજી બાજુ જોઈએ તો ભાજપ માં આવવાથી પોરબંદરનો વિકાસ કરશે તેવી આશાએ લોકો તેમના પર વિશ્વાસ રાખી જીતાડી શકે છે .પરંતુ સભાઓમાં અર્જુન મોઢવાડીયા લાખ થી વધુ લીડ આવવાનું જણાવતા હતા, પણ ઑછું મતદાન થયું હોવાને લીધે તે માત્ર સ્વપ્ન જ રહી જશે તેવી ચર્ચા લોકો કરી રહ્યા છે. તો બીજી બાજુ વિધાનસભા પોરબંદર પર કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરા એ ભૂતકાળમાં મોટા ભાગના ગામડાઓની ચૂંટણીમાં અર્જુન ભાઈ સાથે કામ કરેલ છે અને અર્જુન ભાઈને જીતડવામાં મદદ કરી હતી. આથી ગામડાઓ માંથી રાજુભાઈ ઓડેદરાને વધુમાં વધુ મત મળશે તેવી આશા પણ કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ એ etv ભારત સાથે વ્યક્ત કરી હતી. જ્યારે અર્જુન ભાઈ મોઢવાડીયા સાથે સમ્પર્ક કરતા તેઓ મીડિયાથી દુર રહેવાનું હિતાવહ ગણી કોઈ પ્રકાર નો પ્રત્યુત્તર આપ્યો ન હતો.