સુરત : કોઈપણ પ્રકારના શક્તિ પ્રદર્શન કે રોડ શો વગર સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ આજે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. મુકેશ દલાલ પોતાના માતા-પિતાને યાદ કરીને ભાવુક પણ થઇ ગયા હતા. આ તકે મુકેશ દલાલ સાથે સુરતના ભાજપના ધારાસભ્ય, કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સહિત મેયર અને શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
ટોક ઓફ ધ ટાઉન-મુકેશ દલાલ : આજે સુરત લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ કલેકટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં નામાંકન કરવા માટે પહોંચ્યા હતા. આ તકે તેમની સાથે સુરતના ધારાસભ્ય સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નામાંકન પહેલા મુકેશ દલાલે પોતાના નિવાસસ્થાને ભગવાન સામે પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જોકે મુકેશ દલાલે કોઈપણ શક્તિ પ્રદર્શન અથવા રોડ શો કર્યા વગર ઉમેદવારી નોંધાવી સૌની નજર ખેંચી હતી.
મુકેશ દલાલની સીધી લડત કોંગ્રેસના નિલેશ કુંભાર સાથે છે. સૌથી અગત્યની વાત છે કે, સુરત લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટીએ કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી. જેથી કોંગ્રેસ તેમજ આપના બંને પક્ષના કાર્યકરો મુકેશ દલાલ સામે પ્રચાર કરી રહ્યા છે.
મુકેશ દલાલનો હુંકાર : કલેક્ટર કચેરીએ નામાંકન માટે આવેલા મુકેશ દલાલે જણાવ્યું હતું કે, હું પાર્લામેન્ટ બોર્ડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આજે મારી સાથે સુરતના ધારાસભ્ય, રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ સહિત મેયર અને સુરત શહેર ભાજપના શહેર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. હવે અમારી ચૂંટણી કામગીરી ઝડપી બનશે અને ખૂબ વેગવંતી બનશે. ભાજપના કાર્યકર્તાઓએ અત્યાર સુધી જે મહેનત કરી છે, એના કરતાં ડબલ-ત્રીપલ મહેનત સાથે કામ કરશે.
અમારી વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે : મુકેશ દલાલ
મુકેશ દલાલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સિવાય પણ બીજા બે-ચાર પક્ષોને લઈ આવો પણ કોઈ ફરક પડવાનો નથી. સુરત શહેરના લોકો અને મારા કાર્યકર્તાઓની શક્તિ-ભક્તિ પર મને વિશ્વાસ છે. સામે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન લડી રહ્યા હોય વર્લ્ડ ટીમ આવે તો પણ કોઈ ફરક પડતો નથી. માતા-પિતાને યાદ કરીને ભાવુક થયેલા મુકેશ દલાલે જણાવ્યું હતું કે, આનો જવાબ આપવો અઘરો છે. આજે હું જે કંઈ પણ છું, એ મારા માતા-પિતાના કારણે છું.