સુરત : લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના કલાકો જ બાકી છે. મંગળવારે સાત તારીખે મતદાન યોજાનાર છે. રવિવાર સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયાં હતાં. જોકે એ પહેલાં માંગરોળના કુંવારદા ગામે પ્રચારમાં આવેલ ભાજપના કાર્યકરોનો ક્ષત્રિય સમાજ સહિત હાજર લોકોએ ઉગ્ર વિરોધ કરતા ભાજપના કાર્યકરોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.
ભાજપના કાર્યકરોને કડવો અનુભવ : લોકસભા ચૂંટણી 2024ને લઇ પ્રચારના છેલ્લા દિવસે રવિવારે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી પક્ષપ્રચાર કરી રહ્યાં હતાં. જેમાં સુરત જિલ્લાના માંગરોળમાં પણ ભાજપના કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈને જોરશોરથી પ્રચાર કરી રહ્યાં હતાં.ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુવારદા ગામે ચૂંટણી પ્રચારમાં આવેલ ભાજપના કાર્યકરોને કડવો અનુભવ થયો હતો.
પ્રચાર કરવા ગામમાં આવતાં અટકાવ્યાં : કુવારદા ગામમાં પ્રવેશતાં જ ભાજપ કાર્યકર્તાઓને રુપાલા સામેના વિરોધનો અનુભવ થઇ ગયો હતો. કુવારદા ગામના ક્ષત્રિય સમાજ સહિત હાજર લોકોએ ભાજપના કાર્યકરોને પ્રચાર કરવા ગામમાં આવતાં અટકાવ્યાં હતાં. એટલું જ નહી, પ્રચાર કર્યા વગર જ ગામમાંથી નીકળી જવા જણાવાયું હતું. જેને લઇને થોડીવાર માટે હાજર લોકો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જોકે સ્થાનિકોનો રોષ જોઈને આખરે નમતું જોખીને કાર્યકરો વાહનોમાં બેસી ગામમાંથી બહાર નીકળી ગયાં હતાં. જે સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સ્થાનિકનું નિવેદન : કુવારદા ગામના સ્થાનિક આગેવાન પાર્થભાઈએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એ જ રીતે અમારા ગામમાં આ વિરોધ થયો હતો.