સુરત: લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને કારણે નિલેશ કુંભાણી પણ ચર્ચામાં આવ્યા હતા. હાલ તેઓ પોતાના જ પક્ષના નેતાઓના સંપર્કમાં નથી, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. કાર્યકર્તાઓ નિલેશ કુંભાણીના ઘરે પહોંચીને તેમના ઘરના દરવાજા પર 'જનતાનો ગદ્દાર લોકશાહીનો હત્યારો' લખેલા બેનર લગાવ્યા છે. આ વચ્ચે કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.
શું છે સમગ્ર મામલો: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના એક દિવસ પહેલા નિલેશનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. તેમના પ્રસ્તાવકોની સહીઓમાં અનિયમિતતા દર્શાવીને નામાંકન રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક બાદ એક તમામ ઉમેદવારો એ ફોર્મ ખેંચતા તેઓ બિનહરી વિજેતા થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પોતાના જ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓના શંકાના દાયરામાં છે. છેલ્લા 24 કલાકથી તેઓ પોતાના જ પક્ષના નેતાઓ સાથે સંપર્કમાં નથી.
કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રદર્શન કરવા પહોચ્યા: આજે કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા સહિત અન્ય કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચ્યા હતા. ઘરે નિલેશ કુંભાણી સહિત તેમના પરિવાર ન હોવાથી તેઓ રોષે ભરાયા હતા. આરોપ છે કે, આખું ષડયંત્ર નિલેશ કુંભાણીએ જ રચ્યું છે. જેથી તેમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ 'જનતાનો ગદ્દાર લોકશાહીનો હત્યારો' લખેલા બેનરો લગાવ્યા હતા.
નિલેશ કુંભાણી ષડયંત્રમાં સામેલ: આ સમગ્ર મામલે સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે નિલેશ લાલચમાં આવીને લોકશાહીની હત્યા કરી છે. તેઓ પણ આ ષડયંત્રમાં સામેલ છે. તેઓ દલાલના દલાલ નીકળ્યા છે. તેમને માફ કરી શકાય તે નથી.
નિલેશ કુંભાણીએ પાર્ટી સાથે ગદ્દારી કરી: મહિલા કોંગ્રેસના નેતા ભારતી પટેલે જણાવ્યું હતું કે, અમને જાણ થઈ છે કે નિલેશ કુમારની સુરતમાં નથી તેઓ ગોવા નાસી ગયા છે. પાર્ટી સાથે તેઓએ ગદ્દારી કરી છે તેઓ પણ આ ષડયંત્ર માં સામેલ છે. આજ કારણ છે કે આ બેનર લઈને આજે અમે તેમના ઘરે પહોંચ્યા હતા તેઓ ઘરે નથી બેનર અમે ઘરની બહાર લગાવ્યા છે.