અમદાવાદ: અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. આ બેઠક પરથી પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા.
અમદાવાદ પશ્ચિમ બેઠકની રચનાની કહાની - મતદારો બદલાયા, પરિણામ નહીં
દેશમાં પહેલા માન્ચેસ્ટર તરીકે ઓળખાતુ અમદાવાદ શહેર સહકારી, રાજકીય અને મજૂર આંદોલનના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ રહ્યું છે. અમદાવાદે અનેક કાળયુગ જોયા છે. હાલની અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008 પહેલા અમદાવાદ બેઠક તરીકે ઓળખાતી હતી. 2008ના નવા સીમાંકન બાદ અમદાવાદ બેઠક બે લોકસભા બેઠકમાં વહેંચાઈ છે, એક અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. 2008માં અસ્તિત્વમાં આવેલી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક હાલ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક હેઠળ અમદાવાદ શહેરની કુલ સાત વિધાનસભા બેઠકો આવે છે. ભલે આ બેઠકનું નામ અમદાવાદ પશ્ચિમ છે, પણ પશ્ચિમ અમદાવાદનું ફક્ત એલિસબ્રીજ વિધાનસભા મતક્ષેત્ર આ બેઠકનો ભાગ છે. જ્યારે અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, મણિનગર, અસારવા અને દાણીલીમડા (બંને બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે) વિધાનસભા બેઠકનો સમાવેશ લોકસભાના મતક્ષેત્રમાં અમદાવાદ પશ્ચિમ બેઠકમાં થાય છે.
દેશને પ્રથમ સ્પીકર આપનાર અમદાવાદ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ રોચક છે
આઝાદી બાદ અમદાવાદ લોકસભા બેઠક પર આરંભ બાદ કોંગ્રેસ માટે આ બેઠક પડકારજનક રહી છે. 1952માં કોંગ્રેસના ઉમેદવાર ગણેશ વાસુદેવ માવળંકર જેઓ દેશના પ્રથમ લોકસભાના સ્પીકર હતા તેઓ અમદાવાદ લોકસભા બેઠકથી જીત્યા હતા. કમનસીબે ગણેશ વાસુદેવ માળવંકર લોકસભાની મુદત દરમિયાન અવસાન પામ્યા અને તેમના અવસાન બાદ તેમના પત્ની સુશીલાબહેન ગણેશ માવળંકર પેેટા-ચૂંટણીમાં બિન-હરીફ વિજેતા થયા હતા. 1957થી 1962ની બીજી લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક વિજેતા થયા હતા. અમદાવાદની બીજી લોકસભા અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કરસનદાસ ઉકાભાઇ પરમાર વિજેતા થયા હતા. ગુજરાતમાં ઈન્દુચાચા તરીકે જાણીતા થયેલા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક અમદાવાદ બેઠક પરથી ચાર લોકસભા ચૂંટણી જીત્યા હતા. અમદાવાદ લોકસભા બેઠક પરથી એક માત્ર મુસ્લિમ ઉમેદવાર તરીકે અહેસાન હુસેન અલાબક્ષ જાફરી 1977ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. તો અમદાવાદ બેઠક પરથી કોંગ્રેસ છેલ્લી વાર લોકસભા ચૂંટણી 1984માં જીતી હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના કારણે દેશમાં પ્રસરેલા સિમ્ફની વેવમાં કોંગ્રેસના ઉમેદવાર હરૂભાઇ મહેતા 1984માં અમદાવાદ બેઠકથી છેલ્લા કોંગ્રેસી સાંસદ બન્યા હતા.
1989થી સળંગ 35 વર્ષ ભાજપનો દબદબો રહ્યો છે અમદાવાદ બેઠક પર
ભાજપને સૌ પ્રથમ વાર અમદાવાદ લોકસભા બેઠક પર વિજય અપાવનાર એલ. કે. અડવાણીની નજીક મનાતા હરિન પાઠક છે. 1989માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે જીતેલા હરિન પાઠકે કોંગ્રેસના સુરેન્દ્ર રાજપુતને 1,47,357 મતે હરાવીને વિજયી બન્યા હતા. 1989ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 26 પૈકી 12 બેઠકો જીતીને પોતાનો પાયો નાંખ્યો હતો. હરીન પાઠક 1989થી 2004 સુધીની સળંગ પાંચ લોકસભા ચૂંટણી જીતીને અમદાવાદ બેઠક પર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતુ. નવા સીમાંકન બાદ અમદાવાદ લોકસભા બેઠકનું બે બેઠકોમાં વિભાજન થયું. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થતા. ભાજપે ડૉ. કિરીટ સોલંકી 2009થી સળંગ 2019 સુધીની ત્રણ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે બેઠક પરથી ઉતાર્યા. વ્યવસાયે તબીબ ડૉ. કિરીટ સોલંકીએ 2009 થી 2019 સુધીની સતત ત્રણ લોકસભા ચૂંટણીઓ પૈકીની 2014 અને 2019ની ચૂંટણી ત્રણ લાખથી વધુ માર્જિન મતોથી જીતી છે. 2009ની ચૂંટણી ડૉ. કિરીટ સોલંકીએ 91,127 મતે જીતી હતી.
અમદાવાદ પશ્ચિમ બેઠક પર કેમ ભાજપ સતત જીતે છે, કોંગ્રેસ હારે છે
આરંભમાં કોંગ્રેસના દબદબા બાદ ભાજપનું સળંગ 35 વર્ષથી સતત અમદાવાદ બેઠક પર પ્રભુત્વ રહ્યું છે. જેનું મૂખ્ય કારણ શહેરી મતદારો છે. 1989 અને ત્યાર બાદ દેશમા ંરામ મંદિરના આંદોલન અને મંડલ વિરુદ્ધ કમંડલની રાજનીતિના કારણે હિદુત્વનું મોજુ પ્રસર્યુ. ગુજરાતના સોમનાથ થી અયોધ્યા સુધીની રામરથ યાત્રાના કારણે ગુજરાતના શહેરી વિસ્તારોમાં હિંદુત્વનો ઉભાર આવ્યો હતો, 1989 થી 2004 સુધીમાં ભાજપે ગુજરાતના શહેરી વિસ્તારમાં હિંદુત્વ થકી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી જીતી. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતમાં પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલને બદલાવી મુખ્યમંત્રી બન્યા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદુત્વના રાજકારણની સાથે વિકાસની રાજનીતિનો સમન્વય સાધ્યો અને શહેરી વિસ્તારોમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ આરંભ્યો. જેના કારણે રાજ્યની શહેર અને ગ્રામીણ વિધાનસભા તથા લોકસભા બેઠકો પર ભાજપનો જનાધાર વધ્યો અને વિસ્તરતો ગયો. જેની સામે કોંગ્રેસ રાજકીય રીતે કોઇ નેરેટિવ આપવામાં સતત નિષ્ફળ જતી ગઇ. કોંગ્રેસે અમદાવાદ અને ત્યાર બાદની અમદાવાદ પશ્ચિમ બેઠક પર વિશેષ રીતે કોઈ ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં, જેના કારણે ભાજપનો હુકમનો એક્કો યથાવત રહ્યો. કોંગ્રેસે પશ્ચિમ લોકસભા બેઠક પર કોઈ જ પ્રજાકીય મુદ્દાને વાચા ન આપી, ન તો કોઈ સંગઠાનાત્મક રીતે કાર્યકરો કે નેતાઓને સક્રિય કર્યા. કોંગ્રેસે 2009, 2014 અને 2019માં સતત નવા ઉમેદવારોને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા. પણ શહેરી મતદારો એ કોંગ્રેસને સતત નકારી. 2014 અને 2019માં કોંગ્રેસના ઉમેદવારો ત્રણ લાખથી વઘુ લીડથી હારતા રહ્યાં છે. કોંગ્રેસે કોઇ પણ એક ઉમેદવારને સતત રિપિટ નથી કર્યા, 2009માં અસારવાના શૈલેષ પરમાર, 2014માં ઈશ્વર મકવાણા તો 2019માં રાજુ પરમારને લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા પણ પરિણામ ન બદલાયું. સીમાંકન બાદ રચાયેલી અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સ્થાયી ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવા દીધી નથી. સાથે લોકસભાના કોંગ્રેસના ઉમેદવારોને સતત સંગઠન અને કાર્યકરોની મદદથી જાહેર મુદ્દે કોઈ લોક આંદોલનો ન કર્યા. જેના કારણે લોકસભા મતક્ષેત્રમાં કોંગ્રેસ સાવ જ ગેરહાજર વર્તાતી રહી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા મતક્ષેત્રમાં અસારવા, દાણીલીમડા, દરિયાપુર, જમાલપુર-ખાડીયા જેવી વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના મતદારો અને ટેકદારો છે. મણિનગર અને અમરાઈવાડીમાં પણ કોંગ્રેસ પાસે વોટ છે, છતાં કોંગ્રેસ સતતનવા ચહેરાને ઉતારીને ફક્ત ચૂંટણી સમયે સક્રિય થઈ ચૂંટણી લડે છે. જેની સામે ભાજપ સતત પોતાના સંગઠનાત્મક અને રચનાત્મક કાર્યક્રમો થકી સતત લોક સંપર્કમાં રહે છે. 2009થી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદીમા ચહેરા પર અને ભાજપના નિશાન પર ડૉ. કિરીટ સોલંકીને જીતવું સરળ બન્યું છે. હિંદુત્વની રાજનીતિ અને વિકાસનો મુદ્દો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકને ભાજપના પ્રભુત્વને સશક્ત કરે છે.
2019માં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર કેવું હતુ ચિત્ર, કેવું રહ્યું પરિણામ
2019ની ચૂંટણી દેશમાં બાલાકોટના હુમલા અને ત્યાર બાદની એર સ્ટ્રાઈકના કારણે રાષ્ટ્રવાદના મુદ્દે લડાઈ હી. 2019ની ચૂંટણીમાં ભાજપ વિજયી બનશે એવો વિશ્વાસ દેશના વિપક્ષને પણ હતો. ગુજરાતમાં 2014માં ભાજપે કોંગ્રેસ સામે ક્લિન સ્વિપથી જલવંત વિજય મેળવ્યો હતો. એ જ આત્મ વિશ્વાસ સાથે ભાજપે ગુજરાતમાં 2029માં મિશન 26 બેઠકોનું રાખ્યું હતુ. એક સમયે ભાજપ અમદાવાદ પશ્ચિમ બેઠક પર ઉમેદવાર બદલવાના છે એવી લોકચર્ચા થતી હતી. પણ ભાજપે સતત ત્રીજી વાર અમદાવાદ પશ્ચિમથી ઼ડૉ. કિરીટ સોલંકીને પસંદ કરી ભાજપના એક આંતરિક જૂથને આશ્ચર્યચકિત કર્યા હતા. 2019માં કુલ 12 ઉમેદવારો સામે ડૉ. કિરીટ સોલંકીએ ચૂંટણી જંગ લડવાનો હતો. કોંગ્રેસે 2019માં રાજુ પરમારને પસંદ કરી ડૉ. કિરીટ સોલંકી માટે વિજયી થવાના માર્જિનને જાળવી રાખવાનો મોકો આપ્યો હતો. પણ 2014ની સરખામણીએ 2019માં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર મતદાનનમાં ત્રણ ટકા ઘટાડો નોંધાતા પક્ષ પરિણામ અંગે વિચારતો થયો હતો. 2019માં ડૉ. કિરીટ સોલંકીને 6,41,622 મતો પ્રાપ્ત થયા , તો કોંગ્રેસના રાજુ પરમારને 3,21,546 મતે હરાવી સતત ત્રીજી વાર વિજયી બની કેન્દ્રમાં મંત્રી બનશે એવી લોકચર્ચા જામી હતી. તબીબ સાંસદ ડૉ. કિરીટ સોલંકી કોરોનાના કપરા કાળમાં મોદી સરકાર કોઈ મોટી જવાબદારી સોંપશે એવી ધારણા હતી પણ એ ખોટી પડી. પોતે તબીબ હતા છતાં સાંસદ ડૉ. કિરીટ સોલંકીની કોરાના કાળમાં કોઈ નોંધનીય સક્રિયતા ન રહી એ પણ આશ્ચર્યજનક ઘટના કહી શકાય. 17મી લોકસભાની ત્રીજી મુદતના ડૉ. કિરીટ સોલંકી સ્પીકર પેનલના સભ્ય હતા જેના કારણે તેઓ સ્પીકર ઓમ બિરલાની અનુપસ્થિતિમાં તેઓ અવારનવાર લોકસભાનું સત્ર સંચાલન કરતા હતા.
ડૉ. કિરીટ સોલંકીની સિનિયોરીટી અને સંસદીય પ્રણાલી અંગેની જાણકારી હોવા છતાં રાજ્યકક્ષાના મંત્રી પણ મોદી સરકારમાં ન બન્યા એની ઇતિહાસ નોંધ લેશે.
2024માં કોંગ્રેસ મતોનું વિભાજન, ભાજપને પુનરાવર્તન કરતા પરિવર્તન કરવાની તક આપશે
અમદાવાદ પશ્ચિમ બેઠક એટલે ભાજપનો ગઢ. 2019ની ચૂંટણી પરથી આ બેઠક પરથી અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે ઉભા રહેવાની છેલ્લી તક હશે. નવા સીમાંકન બાદ શક્ય છે આ બેઠક સામાન્ય બેઠકમાં રૂપાંતરિત થઈ શકે છે. ભાજપ 2024માં નવા ચહેરાને તક આપી શકે એવો વર્તારો છે. 2027ની વિધાનસભા ચૂંટણીમાં ફાયદો મેળવી શકાય એવાં નવા ચહેરાને ભાજપ અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ઉતારી શકે છે એવી રાજકીય ચર્ચાઓ છે. ભાજપ માટે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની બે અનામત બેઠકો પર ધ્યાન છે. જો ડૉ. કિરીટ સોલંકીને ચોથી વાર ટિકિટ ફાળવે અને તેઓ વિજયી બને તો તેમને કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવો પડે એવી અવઢણ સર્જાઇ શકે એ મુદ્દે પણ પક્ષ ડૉ. કિરીટ સોલંકીને બદલી નવા ચહેરાને મેદાને ઉતારે. આમ પણ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ઉમેદવાર કરતાં પક્ષ અને પક્ષનું ચિન્હ વિજેતા થાય છે ત્યારે ભાજપ ચોક્કસ જોખમ લઇને 2027ની વિધાનસભાના પરિણામને કેન્દ્રમાં રાખીને નિર્ણય કરી શકે છે. કોંગ્રેસના મતદારો હવે આમ આદમી પાર્ટી અને AIMIM વચ્ચે વહેંચાશે. જેનાથી કોંગ્રેસના મત અને વિજયી માર્જિન પર અસર પડશે. 2024 ભાજપ માટે વિજયી થવા કરતાં પોતાની 2019ની 3.21 લાખની લીડને વિસ્તારવા મહેનત કરશે એવું વાતાવરણ છે. અમદાવાદ લોકસભા મતક્ષેત્ર પર કોંગ્રેસની નિષ્ક્રીયતા, તો ભાજપની પાંચ વર્ષથી સતત જન-કાર્યક્રમોથી હાજરીના કારણે 2024નો ચૂંટણી જંગ એક તરફી થવાના એંઘાણ છે.