જામનગર: જામનગર ૧૨ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. તેઓએ પોતાના નિવાસ્થાને પૂજા અર્ચના કર્યા બાદ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ સબમીટ કર્યું છે. ભાજપના ઉમેદવાર પૂનમ માડમે માતાના આશીર્વાદ લીધા હતા. જોકે માતાના આશીર્વાદ લેતી વખતે સાંસદ પૂનમ માડમ ભાવુક બન્યા હતા. ગઈ કાલે જામનગરમાં વિશાળ જનસભા યોજ્યા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર સભા અને રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ સબમિટ કરતી વખતે ધારાસભ્યો,શહેર અને જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ પ્રદેશ પ્રમુખ આર સી ફળદુ, સુરેન્દ્રનગર ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, સી આર જાડેજા હાજર રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ સાંસદ પૂનમ માડમે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હાલારની દીકરી પર હાઈ કમાંડે વિશ્વાસ મૂક્યો છે. અને ત્રીજી વખત ટિકિટ આપી છે. હાલારની જનતા મને રેકોર્ડ બ્રેક મતથી જીત અપાવશે. અને છેલ્લા દસ વર્ષથી બંન્ને જિલ્લામાં કરેલા જનતાના કામો અને લોકોનો પ્રેમ મારી સાથે છે.
રાજ્યના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, "સાંસદે લોકોના દોડીને કામ કર્યા છે. સારા ખરાબ પ્રસંગમાં સતત લોકો વચ્ચે રહ્યા છે. આ વખતે પણ પૂનમ માડમ જંગી બહુમતીથી જીત મેળવશે. સમગ્ર હાલાર પંથક સાંસદ પૂનમ માડમને આશીર્વાદ આપશે તેઓ પૂર્ણ વિશ્વાસ છે."