ગાંધીનગરઃ ગુજરાતમાં અનેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે પરંતુ અનામતની ટકાવારી અંગે કોકડું ગૂંચવાતા ચૂંટણીઓ અટકી પડી હતી. આ ચૂંટણીઓ ઝડપી કરાવવા માટે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગણી કરી છે.
કોંગ્રેસે લખ્યો પત્રઃ અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2-જિલ્લા પંચાયત, 17-તાલુકા પંચાયત, 75-નગર પાલિકાઓ અને 6500 કરતાં વધુ ગ્રામ પંચાયતોની મુદત પુર્ણ થતાં સામાન્ય ચુંટણી તેમજ અમદાવાદ, સુરત અને રાજકોટના એક-એક વોર્ડ અને 30 જેટલી જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો ખાલી પડતાં તેની પેટા ચુંટણી સહિતની પેટા ચુંટણી પણ કેટલા સમયથી યોજવાની બાકી છે. રાજ્યમાં હાલમાં હજારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચુંટાયેલા પ્રતિનિધિઓના સ્થાને સરકાર દ્વારા નિમાયેલા વહીવટદારોનું રાજ ચાલે છે. તેના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિકાસના કામો અટકી પડયા છે અને નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રાજ્યપાલની પણ મંજૂરીઃ અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા માટે હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવથી કરેલ અને આ બાબતે ટર્મ્સ ઓફ રેફરન્સ અને મુદતમાં વધારો કરવામાં આવેલ. સમર્પિત આયોગ દ્વારા અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવેલ છે અને તેના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ-1993, ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 તેમજ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ-1994માં સુધારા કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીત પછાત વર્ગોને અનામત આપવા માટેના વિધેયકો વિધાનસભામાં મંજુર થયેલ છે. તેની જરૂરી મંજુરી માનનીય રાજ્યપાલે પણ આપેલ છે.
વહીવટદારોનું રાજઃ રાજ્યમાં છેલ્લાં કેટલાય સમયથી હજારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદારોનું રાજ છે. તેના બદલે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ મારફતે સંચાલન થાય તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાની બાકી છે. તે વહેલીતકે યોજાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વહીવટદારોના રાજમાંથી મુકત કરાવવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વહીવટદાર ના રાજ ના કારણે શાસનમાં લોક ભાગીદારી ઘટી છે તેને કારણે પ્રજાને નુકસાન જાય તેવા નિર્ણયો લેવામાં આવે છે.