જૂનાગઢ: આગામી ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાને રાખીને ગણપતિના સ્થાપન માટેની પ્રતિમા બનાવતા સ્થાનિક કલાકારો જૂનાગઢમાં આવી પહોંચ્યા છે. જે અંતગર્ત પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જે મોટે ભાગે બે મહિના સુધી સતત જોવા મળશે. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિમા બનાવવાના કાચા માલના બજાર ભાવોમા નોંધપાત્ર વધારો થયો છે. જેને કારણે આ વર્ષે ગણપતિની પ્રતિમામાં 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનો ભાવ વધારો આવી શકે છે.


ગણપતિની પ્રતિમા બનાવવા પાછળ કલાકારોનો આખો પરિવાર રોકાયેલો હોય છે, અને જેમાં સૌથી વધારે શણનો ઉપયોગ થાય છે. જે કેરાલાથી મંગાવવામાં આવે છે. જેમાં પણ પ્રતિ 20 કિલોમાં 1000 રૂપિયાનો ભાવ વધારો આ વર્ષે થયો છે, જેને કારણે પ્રતિમા બનાવતા કલાકારો પણ મોંઘવારીની માર નીચે દબાઈ રહ્યા છે.

આ વર્ષે પ્રતિમાના ભાવોમાં હજાર રૂપિયા સુધીનો વધારો: ગત વર્ષે જે પ્રતિમા 2000 થી 2500 રૂપિયામાં મળતી હતી. તેમાં આ વર્ષે 1000 રૂપિયાનો વધારો થઈને 3,000 થી 3,500 પ્રતિ એક પ્રતિમાના ભાવે વેચવાનું આયોજન સ્થાનિક કલાકારો કરી રહ્યા છે. ગત વર્ષે કાચા માલના બજાર ભાવમાં વધારો જોવા મળતો ન હતો. પરંતુ મૂર્તિનું વેચાણ ઓછું થયું હતું. જેને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો થયો હોવા છતાં પણ મૂર્તિનું વેચાણ પૂરતા પ્રમાણમાં ન થતા સ્થાનિક કલાકારોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.
ત્યારે આ વર્ષે સ્થાનિક કલાકારો મૂર્તિ બનાવવાના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે એક ફૂટ થી લઈને પાંચ ફૂટ સુધીની ગણપતિની અલગ અલગ આસન અને મુદ્રા ધરાવતી મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ કર્યું છે. જે આગામી એકાદ મહિનામાં પૂર્ણ થશે. ગત વર્ષે મૂર્તિનું વેચાણ ઓછું થયું છે તેમાં આ વર્ષે વધારો થાય અને મૂર્તિનું વેચાણ થાય તેવી આશા અને અપેક્ષાઓ પણ સ્થાનિક કલાકારો રાખી રહ્યા છે.