રાજકોટ: ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો સતત આતંક વધી રહ્યો છે. ત્યારે ફરી વખત ઉપલેટાના કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદરકાંઠાના ખેતી વિસ્તારની અંદર દીપડાએ આતંક મચાવી લોકોને અને ખેડૂતોને ભયભીત કરી દીધા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગત દિવસે દીપડાએ વાછરડીને પોતાનો શિકાર બનાવી વાછરડીનું મારણ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં મારણ કર્યા બાદ દીપડાએ વાડીમાં ધામો નાખ્યો હોવાનું સામે આવતા જ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેથી આ અંગે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દીપડાને પાંજરે પૂરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
દીપડાએ વાછરડીનું કર્યુ મારણ: ઉપલેટા શહેરના કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદર નદી કાંઠે આવેલ ખેતરમાં ગત દિવસે દીપડાએ વિક્રમભાઈ બારૈયાના ખેતરમાં આવેલ તબેલામાં રહેલ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યું હતું. આ બનાવ બન્યા બાદ બીજા દિવસની રાત્રે બાજુમાં વિજયભાઈ ડેરના આવેલ કેળના ખેતરમાં દીપડો રાત્રે આરામ ફરમાવતો હોઈ તેવા દૃશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા છે. ત્યારે આ વિસ્તારમાં દીપડાના આતંકથી આ વિસ્તારના ખેડૂતો અને પરપ્રાંતીય મજુરોમાં ડર ફેલાયો છે.અહીંયાના સ્થાનિક ખેડુત મેહુલ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે, ગત દિવસે અહીંયા ખેતરમાં એક નાની વાછરડાનું મારણ થયું હતું ત્યારે એ સમયે કોને હુમલો કરીને શિકાર બનાવ્યો તે સ્પષ્ટ થયુ ન હતું. આ બનાવની બીજી રાત્રિએ બાજુમાં આવેલ કેળના ખેતરમાં દીપડો આરામ ફરમાવતો હોઈ તેવા દૃશ્યો દેખાતા કેમેરામાં કેદ કર્યા હતા. ત્યારે આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરીને અહીંયાના ખેડૂતોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિક આગેવાનો બનાવ સ્થળે દોડી આવ્યા: બનાવને પગલે અહીંયાના સ્થાનિક આગેવાન અને ઉપલેટા નગરપાલિકાના પુર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે તેમને જવાબદાર તંત્રને અને ઉચ્ચ કક્ષાએ તાત્કાલિક ટેલીફોનીક જાણ કરી હતી. આ સાથે આ વિસ્તારના સ્થાનિક તમામ ખેડુતો પરપ્રાંતિય ખેત મજુરોને પણ સતર્ક રહેવા જણાવ્યું છે કારણ કે, અહીંયા ખેડુતો અને ખેતમજુરી કરતા લોકો અને તેમના બાળકો અહીંયા નિવાસ કરે છે. ત્યારે તે લોકો આ દિપડાનો શિકાર ન બને કે, દીપડો વધુ આક્રમક અને માનવભક્ષી બને તે પહેલા અહીંયા પાંજરા મુકવાની પ્રબળ માંગ કરી છે.
ફોરેસ્ટ વિભાગ પાંજરૂ મુકવાની તજવીજ શરૂ: આ અંગે ઉપલેટાના ફોરેસ્ટ ઓફિસર બ્રિજેશ બારૈયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, ઉપલેટામાં દીપડાની બાબતને લઈને ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરૂ મુકવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ સાથે તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે દીપડાએ કોઈ નિશ્ચિત સ્થાન ધરાવતા પ્રાણીમાં નથી હોતું. કારણ કે, તેઓ થોડા સમયની અંદર પોતાની જગ્યા અને સ્થાન બદલી નાખે છે અને આ મામલે તંત્ર પાસે પણ એમનું લોકેશન હોતું નથી. જે માહિતી મળે છે તે લોકોના મધ્યમથી મળતી હોય છે. તેના કારણે અમો એમની હરકત ઉપર નજર રાખતા હોય છે ત્યારે આ મામલે પાંજરૂ મૂકી આગળની કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
દીપડાઓનો કોઇ નિશ્ચિત વિસ્તાર નથી: દિપડાઓ સામાન્ય રીતે જંગલ વિસ્તારની અંદર રહેતા હોય છે. પરંતુ દીપડાઓ શિકારની શોધમાં હાલ માનવ વસાહત અને ખેત વિસ્તારમાં પણ પહોંચી રહ્યા છે કારણ કે, દીપડાઓનું કોઈ નિશ્ચિત સ્થાન હોતું નથી તેવી માહિતી સામે આવી છે. દીપડાઓને શિકાર કરવા માટેની કોઈ નિશ્ચિત એરિયા કે વિસ્તાર પણ હોતો નથી. તેમને જ્યાં પણ શિકાર મળે છે. તે વિસ્તારમાં આંટાફેરા કરતા હોય છે. ઉપરાંત તેઓ જે વિસ્તારની અંદર આંટાફેરા કરતા હોય છે. તે વિસ્તાર અચાનક છોડીને બીજા દૂર વિસ્તારની અંદર પણ જતા રહેતા હોય છે. બીજી તરફ જે વિસ્તારની અંદર દેખાઇ જાય. તે વિસ્તારની આસપાસ ફરીથી કદાચ ક્યારેક જોવા નહિ મળતા હોય અને જ્યાં કલ્પના પણ ન કરી હોય તેવા વિસ્તારની અંદર પણ જોવા મળતા હોય છે. તેવી પણ ફોરેસ્ટ વિભાગ પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે જેથી લોકોએ દીપડાઓને ખોટી રીતે છંછેડવા ના જોઈએ તેવું પણ જણાવ્યું છે. સાથે જ લોકોએ ખુદ પણ દીપડા સામે કોઈપણ પ્રકારની છેડખાની ન કરી અને પોતાની સુરક્ષાનો પણ ધ્યાન રાખવું જોઈએ.
ખેડૂતોએ જવાબદાર તંત્રને અનેક ફરિયાદો કરી: રાજકોટના ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના ધામા અને હુમલાઓમાં બનાવો સામે આવી રહ્યા છે. આ મામલે લોકોએ અને ખેડૂતોએ જવાબદાર તંત્રને અનેક ફરિયાદો કરી છે. પરંતુ જવાબદાર તંત્ર એટલે કે ઉપલેટા ફોરેસ્ટ વિભાગના અધિકારી પુરતી કાળજી નહિ લેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે કારણ કે, લોકોની અને ખેડુતોની ફરિયાદ બાદ પણ ઉપલેટાના જવાબદાર ફોરેસ્ટ અધિકારી ઘણી વખત ઘટના બન્યાના અનેક દિવસો સુધી અજાણ હોય છે. અને કેમ તો યોગ્ય કાર્યવાહી નહી કરતા હોવાની લોકોની ફરિયાદ ઊઠી છે. આ પ્રકારના વારંવાર બનાવથી લોકોમાં ભારે ભય ફેલાયો છે અને સાથે ઉપલેટામાં દીપડાના આંટાફેરા અને હુમલાની ઘટના સામે જવાબદાર ફોરેસ્ટ જાણે કોઈ કાર્યવાહી નહી કરતું . અને જવાબદારી નિભાવતા ના હોઈ તેવી છેલ્લા એકાદ વર્ષથી ફરિયાદી છે ત્યારે હવે ઉપલેટા ફોરેસ્ટ અધિકારી સામે સ્થાનિક આગેવાનો, ખેડૂતો લેખિત ફરિયાદ કરવા ઉતરશે અને ઢીલી નીતિ છતી થશે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.