સુરત: ભારતીય રાજકારણના ઈતિહાસમાં પંચાયતી રાજ અને ગ્રામ સ્વરાજના પ્રચારક વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી, 1896ના રોજ વલસાડના ભાડેલી ગામમાં થયો હતો. તેમની જન્મજયંતિના અવસર પર તેમના યોગદાન અને તેમના વિચારોને યાદ કરીએ, જેણે રાષ્ટ્રને સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોરારજી દેસાઈએ તેમનું જીવન સામાજિક ન્યાય, સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ચાર વર્ષે આવ્યો મોરારજીનો બર્થ ડે : આ વર્ષ લીપ વર્ષ છે. લીપ વર્ષ દર ચાર વર્ષમાં એકવાર આવે છે અને પછી તે વર્ષ 366 દિવસનું બને છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 28 ને બદલે 29 દિવસ છે. જો કોઈનો જન્મદિવસ 29 ફેબ્રુઆરી હોય તો તે 04 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો જન્મદિવસ પણ 29 ફેબ્રુઆરીએ આવે છે. તેઓ મોટું જીવન જીવ્યા બાદ 99 વર્ષની વયે અવસાન પામ્યા હતા.
દેશના ચોથા વડાપ્રધાન: મોરારજી દેસાઈ ગુજરાતમાં સુરત બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. બાદમાં તેઓ સર્વસંમતિથી સંસદમાં જનતા પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા અને 24 માર્ચ 1977ના રોજ તેમણે 81 વર્ષની વયે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. મોરારજી દેસાઈ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી અને દેશના ચોથા વડાપ્રધાન (1977-79) હતા. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી નવાજવામાં આવ્યા છે.
પીએમ પદનો અધૂરો કાર્યકાળ: અગાઉ મોરારજી દેસાઈએ વડાપ્રધાન બનવા ઘણી વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. એવું નથી કે તેઓ વડાપ્રધાન બનવા માટે સક્ષમ ન હતા. વાસ્તવમાં, તેઓ કમનસીબ હતા કે સૌથી વરિષ્ઠ નેતા હોવા છતાં પંડિત નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી પણ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા ન હતા. મોરારજી દેસાઈનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ શક્યો ન હતો. ચૌધરી ચરણસિંહ સાથે રાજકીય મતભેદને કારણે તેમને વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું.
સ્વતંત્રતા સંગ્રામમાં ઝપલાવ્યું: મોરારજી દેસાઈએ 1930માં બ્રિટિશ સરકારની નોકરી છોડી અને સ્વતંત્રતા સંગ્રામની ચળવળમાં ઝંપલાવ્યું. આ પછી તેમને 1931 માં ગુજરાત રાજ્યની કોંગ્રેસ સમિતિના સચિવ બનાવવામાં આવ્યા. મોરારજી દેસાઈએ અખિલ ભારતીય યુવા કોંગ્રેસ શાખાની સ્થાપના કરી અને સરદાર પટેલની સૂચના મુજબ તેઓ પ્રમુખ બન્યા. 1932 માં મોરારજીને બે વર્ષ જેલવાસ ભોગવવો પડ્યો હતો.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી: 1937 સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રહ્યા અને પછી તેમને બોમ્બે સ્ટેટ કોંગ્રેસ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. આ સમય દરમિયાન એવું માનવામાં આવતું હતું કે તેમની વ્યક્તિત્વની જટિલતાઓ હતી. તેમણે હંમેશા પોતાનો દૃષ્ટિકોણ ઊંચો રાખ્યો અને તેને સાચો માન્યો. લોકો તેમને સર્વોચ્ચ નેતા કહેતા હતા, જે ખુદ મોરારજીને પણ પસંદ હતું. તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ રહ્યા અને સોમનાથ મંદિરને કઈ રીતે વિકસિત કરવામાં આવે આ અંગે તેઓએ અનેક કાર્યો કર્યા હતા.
મોરારજી દેસાઈનો જેલવાસ : મોરારજી દેસાઈની વિચારધારા જય જવાન, જય કિસાન હતી, જેના કારણે તેમણે ભારતીય ગામડા અને ખેડૂતોના વિકાસને મહત્વ આપ્યું. તેમનું માનવું હતું કે ગામડાઓના વિકાસથી જ ભારત સમૃદ્ધ બની શકે. ગરીબોના હક્કની લડાઈમાં મોરારજી દેસાઈનું નામ હંમેશા યાદ રહેશે. તેમણે સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે સખત પ્રયાસો દ્વારા લોકોને સમૃદ્ધ અને સમાન ભવિષ્ય તરફ દોરી જવાનો પ્રયાસ કર્યો. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાને કારણે મોરારજી દેસાઈએ ઘણા વર્ષો જેલમાં વિતાવ્યા હતા.
1952માં બન્યા બોમ્બેના મુખ્યમંત્રી : દેશની આઝાદી સમયે તેમનું નામ રાષ્ટ્રીય રાજકારણમાં અગ્રણી બન્યું હતું. પરંતુ મોરારજી દેસાઈની પ્રાથમિક રુચી માત્ર રાજ્યની રાજનીતિમાં હતી. આ જ કારણ છે કે તેમને 1952 માં બોમ્બેના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સમય સુધી ગુજરાત અને મહારાષ્ટ્ર બોમ્બે પ્રાંત તરીકે ઓળખાતા હતા અને બે રાજ્યો અલગ-અલગ રચાયા ન હતા. 1967માં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે મોરારજીને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન પદ માટેનો સંઘર્ષ : પરંતુ તેઓ હતાશ હતા કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા હોવા છતાં તેમના બદલે ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે મોરારજી ઈન્દિરા ગાંધી દ્વારા લેવામાં આવેલા ક્રાંતિકારી પગલાંને અવરોધતા રહ્યા. વાસ્તવમાં જ્યારે શ્રી કામરાજે સિન્ડિકેટની સલાહ પર ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી , ત્યારે મોરારજી પણ વડાપ્રધાન પદની રેસમાં હતા. જ્યારે તેઓ કોઈપણ રીતે સહમત ન થયા ત્યારે પાર્ટીએ આ મુદ્દે ચૂંટણી યોજી અને ઈન્દિરા ગાંધી જંગી મતથી જીતી ગયા. ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને નાયબ વડાપ્રધાન પદ આપ્યું હતું.