જૂનાગઢ: વિક્રમ સંવતના વર્ષમાં ચાર પંચમી આવે છે, નાગ પંચમી, વસંત પંચમી, રંગ પંચમી અને લાભ પંચમી. આ ચારેય પંચમીઓનું અલગ અલગ મહત્વ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આજે લાભ પંચમીનો શુભ મુહૂર્ત છે અને લોકો આ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આજના દિવસે દેવ દર્શનની સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાથી લઈને નવી મિલકત, સોનું ઝવેરાત ખરીદવાથી લાભ પ્રાપ્ત થતો હોય છે. લાભ પંચમીના દિવસે મહાલક્ષ્મી અને ગણપતિની સાથે સરસ્વતીનું પૂજન કરવાથી પણ ધન ધાન્ય અને જ્ઞાનમાં વધારો થતો હોય છે, તેવો ઉલ્લેખ સનાતન ધર્મના શાસ્ત્રમાં લાભ પાંચમના મહત્વ સાથે જોડવામાં આવ્યો છે.
આજે લાભ પાંચમની ઉજવણી: આજે ઉજવાય રહેલી લાભ પંચમી ધન, ધાન્ય અને વેપારની સાથે પરિવારના માંગલિક કાર્ય સાથે જોડીને પણ જોવામાં આવે છે. દિવાળી બાદ આવતી આ પ્રથમ પંચમીના દિવસથી દિવાળીના તહેવારો દરમિયાન બંધ રહેલા વેપાર-ધંધા આજથી લાભ પાંચમના દિવસે ગણેશ પૂજન સાથે શરૂ થતા હોય છે. લાભ પાંચમને ગણેશજી, સરસ્વતી અને મહાલક્ષ્મી સાથે જોડીને પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. જે વેપારીઓએ દિવાળીના દિવસે ચોપડા પૂજન ન કર્યું હોય, તેવા તમામ વેપારી આજે લાભ પાંચમના દિવસે ચોપડા પૂજન કરીને નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત પણ કરતા હોય છે.
શુભ અને માંગલિક કાર્યો માટે લાભ પાચમ શ્રેષ્ઠ: સનાતન ધર્મના શાસ્ત્રોમાં લાભ પાંચમના દિવસે શરૂ કરેલું પ્રત્યેક કાર્ય શુભ અને ફળદાયી હોવાનું પણ માનવામાં આવે છે. આમ, લાભ પાંચમના દિવસે શુભ અને માંગલિક કાર્યની શરૂઆત થાય તો તે શુભ ફળ આપનારા હોય છે. આજના દિવસે લોકો મિલકત, વાહન, હીરા, જવેરાત, અનાજ, ધન અને ધાન્યની ખરીદી પણ કરતા હોય છે. આ ખરીદી કરનાર પ્રત્યેક વ્યક્તિના પરિવાર માટે આ દિવસ શુભ ફળદાય માનવામાં આવે છે જેથી આજના દિવસે ખરીદીનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે.
ગણેશજી, સરસ્વતી અને લક્ષ્મીજીનું પણ મહત્વ: આજના દિવસે ગણપતિ મહારાજની પૂજાનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. ગણપતિ મહારાજની પૂજા કરવાથી જ્ઞાન અને વિવેકનો સંચાર થતો હોય છે. તો સાથે સાથે આજના દિવસે સરસ્વતીનું પૂજન પણ એટલા માટે કરવામાં આવે છે, કે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે વિવેક પૂર્ણ જ્ઞાન સમગ્ર જીવનકાળ દરમિયાન બની રહે, જેથી બુદ્ધિના દેવી તરીકે મનાતા સરસ્વતી માતાના પૂજનનું પણ આજના દિવસે વિશેષ મહત્વ છે. વધુમાં આજે શ્રી સૂક્તના પાઠ કરવાથી પણ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. સનાતન ધર્મના ગ્રંથોમાં 10 પ્રકારની લક્ષ્મીનો ઉલ્લેખ કરાયો છે જે પૈકી શ્રીસવા લક્ષ્મીની પ્રાપ્તિ થાય તે માટે પણ આજના દિવસે મહાલક્ષ્મીની પૂજા થતી હોય છે.
આ પણ વાંચો: