કચ્છઃ અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતી 23 વર્ષીય યુવતી ઘરે કહ્યા વગર સ્યુસાઈડ નોટ લખી ઘરેથી જતી રહી હતી. જે સંદર્ભે યુવતીના માતા પિતાને પોતાની દીકરી મુંદ્રા ખાતે હોવાની શંકા થઇ હતી. જેથી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદ લઈ ગુમ થનાર યુવતીને મુંદ્રા શોધી લીધી હતી અને તેનું કાઉન્સલીંગ કરી પોલીસ સ્ટેશન લાવી તેના વાલીને પરત સોંપવામાં આવી છે. પોલીસની તુરંત કામગીરીને કારણે એક જીવ બચ્યો હતો. પરિવારે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
23 વર્ષીય યુવતી પોતાના ઘરે સ્યુસાઈડ નોટ લખી જતી રહી
કચ્છ બોર્ડર રેન્જ પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કારોડયા, પશ્વિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા નાયબ પોલીઝ અધિક્ષક રવિરાજસિંહ ડી. જાડેજા દ્વારા જિલ્લામાં મિસિંગ વ્યક્તીઓને શોધી કાઢી તેમના વાલીને પરત સોંપવા માટે સૂચનો અપાયા હતા. જેમાં 13 ડિસેમ્બરના રોજ અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતી 23 વર્ષીય ચાર્મી (નામ બદલ્યું છે) પોતાના ઘરેથી સ્યુસાઈડ નોટ લખી કોઇને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. જે અંગેની ગુમનોંધ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવામાં આવી હતી.
માતા પિતાએ ગુમનોંધ લખાવી તેમજ મુંદ્રા હોવાની આશંકાને આધારે મુંદ્રા પોલીસને જાણ કરી
યુવતીના માતા પિતાને આશંકા હતી કે પોતાની દીકરી કચ્છના મુંદ્રા ખાતે હશે. જે અંગેની જાણ મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. જે અનુસંધાને મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ઠુંમરે આ બાબતે યુવતીની તપાસ કરવા સર્વેલન્સના કર્મચારીઓને બોલાવી યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા જણાવ્યું હતું.
યુવતીનું કાઉન્સલીંગ કરી વાલીને પરત સોંપવામાં આવી
મુંદ્રા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પોલીઝ હેડ કોન્સ્ટેબલ મથુરજી બી. કુડેચાએ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદ લઈ ગુમ થનાર યુવતીને મુંદ્રા ખાતે ઉમિયાનગર ખાતેથી શોધી કાઢી હતી. સર્વેલન્સ સ્ટાફે યુવતીનું કાઉન્સલીંગ કરી તેને પોલીસ સ્ટેશન લાવી ગણતરીના કલાકમા તેના વાલીને પરત સોંપી હતી.