કચ્છ : પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂ-સીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સરક્રિક પાસે આવેલ આંતર રાષ્ટ્રીય સીમા પાસેન લક્કી નાલા પાસે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ દ્વારા બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટરની હાજરીમાં લીલી ઝંડી આપી લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડ શરૂ કરવામાં આવી હતી.
સમુદ્રી સીમાદર્શનનો પ્રારંભ : સરહદી જિલ્લા કચ્છમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ તીર્થધામ કોટેશ્વર ખાતે તો મુલાકાત લેતા જ હોય છે. ત્યારે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે પણ તેઓ જાણકાર થાય તેમજ અહીંની સરહદ પર તહેનાત દેશના બીએસએફના જવાનોની કામગીરીથી અવગત થાય તેવા હેતુસર ભારતમાં પ્રથમ વખત “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતના સરહદી જિલ્લા કચ્છમાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો, પણ આજથી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
6 સીટર, 12 સીટર અને 20 સીટર બોટ : ઉલ્લેખનીય છે કે કોટેશ્વર ખાતેના આ સમુદ્રી સીમાદર્શન પ્રોજેક્ટ દ્વારા ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડનો પણ પ્રવાસીઓ લાભ લઈ શકશે તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થતાં કચ્છના પ્રવાસન ક્ષેત્રે નવું નજરાણું પણ ઉમેરાયું છે. સમુદ્રી સીમા દર્શન બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલના તબક્કે અહીઁ 6 સીટર, 12 સીટર અને 20 સીટર આમ અલગ અલગ બોટ ફાળવવામાં આવી છે. જે પૈકી હાલમાં શરૂઆતના તબક્કામાં 6 સીટરની એક બોટ સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. જોકે આ બોટ રાઈડ સમુદ્રની ભરતી-ઓટના સમયને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે.
કઈ રીતે થશે બુકિંગ : જે પ્રવાસીઓ આ બોટ રાઈડનો લાભ લઈને સીમા દર્શન કરવા ઈચ્છતા હોય તેવા પ્રવાસીઓ નારાયણ સરોવર ખાતે ગુજરાત ટુરિઝમની આવેલ હોટલ તોરણ ખાતેથી તથા લક્કી નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકશે.