કચ્છ: દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું કચ્છ દિવાળી વેકેશન શરૂ થતાની સાથે જ પ્રવાસીઓને આવકારી રહ્યું છે, ત્યારે વૈશ્વિક ધરોહર અને હડપ્પન સંસ્કૃતિનું નગર ધોળાવીરા ખાતે પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં પ્રવાસીઓને કચ્છની સંસ્કૃતિનો એક નવો અનુભવ થશે.
15 માર્ચ સુધી ખુલી રહેશે ટેન્ટ સિટી: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ ધોળાવીરામાં આવેલી આ ટેન્ટ સિટી કચ્છના સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ માટે એક નવો અનુભવ બની રહેશે. કચ્છની સંસ્કૃતિ અને કલાને દર્શાવતી આ ટેન્ટ સિટી 15 માર્ચ સુધી ખુલી રહેશે.
5000 વર્ષ જૂના નગરને નિહાળવાનો લ્હાવો: વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાથી 3 કિલોમીટર દૂર આ ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. ધોળાવીરા ખાતેની ટેન્ટ સિટીમાં કુલ 140 જેટલા ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં દરબારી અને રજવાડી ટેન્ટનો સમાવેશ થાય છે.
હડપ્પન સંસ્કૃિતની થીમ પર ટેન્ટ સિટી: આ ટેન્ટ સિટી બનાવવાનો મુખ્ય હેતુ 5000 વર્ષ પુરાણા નગર ધોળાવીરાને પ્રોત્સાહન આપવાનો છે, તો સાથે કચ્છના આ દૂરસ્થ પ્રાચીન શહેર અને પ્રાચીન સંસ્કૃતિને વધુ પ્રદર્શિત કરી વધુને વધુ પ્રવાસીઓ આ સંસ્કૃતિ માણે.
4.5 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત: યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યા બાદ 4.5 લાખ પ્રવાસીઓએ જ મુલાકાત લીધી હતી, વર્ષ 2021માં યુનેસ્કો દ્વારા 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ અન્ય કોઈ સુવિધાઓ ના હોવાના કારણે પણ 3 વર્ષમાં માત્ર 4.50 લાખ જેટલા જ પ્રવાસીઓએ મુલાકાત લઈ ચુક્યા છે, ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માટે હવે ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. સાથે જ ધોળાવીરાથી સફેદ રણ સુધી જતો માર્ગ કે જે રોડ ટુ હેવનના નામે ઓળખાય છે તે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સ્થાનિક લોકોને પણ રોજગારી: ધોળાવીરા ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ટેન્ટ સિટીમાં માત્ર કચ્છની સંસ્કૃતિના જ દર્શન કરાવવામાં આવી રહ્યા છે, તેવું નથી પરંતુ અહીંના સ્થાનિક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. જુલાઈ 2021માં જ્યારે યુનેસ્કોએ ભારતના કચ્છ જિલ્લામાં આવેલી સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
રણોત્સવની મજા થશે બેવડી: આ ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓને હડપ્પન સંસ્કૃતિનો માહોલ પણ જોવા મળશે, તો સાથે જ કોઈ બોલિવૂડની થીમ જેવું સેટ અપ હોય તેવી રીતે ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. તો દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં રહેવા આવે અને 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિને માણે અને અહીં રહેવાનો આનંદ પણ માણી શકશે અને સાથે સાથે ધોળાવીરાના ઇતિહાસ વિશે પણ જાણી શકશે.