કચ્છ: GHCL લિમિટેડ કે જે એક હેવી કેમિકલ ઉત્પાદન કરતી કંપની છે. તે કંપનીએ હાલમાં જ જાહેરાત કરી છે કે તેને કચ્છમાં તેના ગ્રીનફિલ્ડ સોડા એશ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી મળી છે. સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગમાં, કંપનીએ પુષ્ટિ કરી કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી આપી દીધી છે. પરંતુ હજુ પણ બાડા અને આસપાસના 20 ગામોના લોકો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે અને તેના માટે NGT તેમજ હાઇકોર્ટમાં જવા માટેની તૈયારી પણ ગામલોકોએ દર્શાવી છે.
GHCL કંપનીના સૂચિત પ્લાન્ટને લઈને વર્ષ 2022થી ઉગ્ર વિરોધ: ઉલ્લેખનીય છે કે કચ્છના બાડા ગામ ખાતે આવનાર આ પ્રોજેક્ટના કારણે ફેલાનાર જળ વાયુ પ્રદૂષણના લીધે પર્યાવરણ અને સજીવસૃષ્ટિનું નિકંદન નીકળી જવાની ભીતિ સાથે પ્રોજેક્ટનો આસપાસના ગામોના લોકો વર્ષ 2022થી ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે અને આ વિરોધ કંપનીને પર્યાવરણીય મંજૂરી મળી ગયા છતાં શમ્યો નથી. તેમજ લોકો વધુને વધુ વિરોધ કરી રહ્યા છે.
3 વર્ષના ભારે વિરોધ બાદ પ્રોજેક્ટેડ મૂડીરોકાણ આટલા કરોડે પહોંચ્યો: માંડવી તાલુકાના બાડાના દરિયાકિનારા નજીક 1350થી વધારે એકરમાં GHCLના સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારીત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ સ્થાપવામાં આવશે. શરુઆતના સમયમાં આ પ્રોજેક્ટ 3500 કરોડના મૂડીરોકાણ સાથેનો હતો. પરંતુ 3 વર્ષના ભારે વિરોધ દરમિયાન હજુ પ્લાન્ટ શરૂ ન થતા હવે આ પ્લાન્ટ 6500 કરોડ સુધી પહોંચી ગયો છે. આ કેમિકલ કોમ્પ્લેક્સ શરૂ કરવા કંપનીએ વર્ષ 2017માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે MoU પણ કર્યાં હતા.
ભારતમાં 3.6 MTPA સોડા એશનું ઉત્પાદન: આગામી 6 વર્ષમાં 1.1 MMTPAનો સોડા એશ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં મદદરૂપ થશે.આ સોડા એશના નવા પ્લાન્ટને મળેલી મંજૂરી ગ્રીન એનર્જી અને આત્મનિર્ભરતાના ભારતના વિઝનને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવૉટની ગ્રીન એનર્જીની ક્ષમતા સ્થાપવાનો ઉદ્દેશ્ય ધરાવતા ભારતમાં સોડા એશની માંગ 7.0 MTPA રહે તેવો અંદાજ છે. હાલમાં ભારત 3.6 MTPA સોડા એશનું ઉત્પાદન કરે છે, જે સોડા એશના ઉત્પાદનની વૈશ્વિક ક્ષમતાના ફક્ત 6% છે.
ભારતમાં સોડા એશની બીજી સૌથી મોટી ઉત્પાદનકર્તા કંપની: GHCL હાલમાં ભારતમાં સોડા એશની બીજી સૌથી મોટી ઉત્પાદનકર્તા કંપની છે. તે લગભગ ચાર દાયકાથી હાજરી ધરાવે છે. આ આગામી ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ તેની ઉત્પાદન ક્ષમતાને લગભગ બમણી કરી દેશે. ગ્રીનફીલ્ડમાં આ આગામી પ્લાન્ટ ગ્રીન ઊર્જા સંસાધનોના ઉપયોગની શક્યતા ચકાસીને કાર્બન ન્યુટ્રાલિટી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. આ પ્લાન્ટ સીએસઆર અને સસ્ટેનેબિલિટીની પહેલ દ્વારા આસપાસ વસતા સમુદાયોને સમર્થન પૂરું પાડી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પેદા કરશે. તે લોજિસ્ટિક્સ અને પેકેજિંગ મટીરિયલના સેગમેન્ટમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ)ની સ્થાપનાને પ્રોત્સાહન આપશે, સ્થાનિક સમુદાયોની સમૃદ્ધિ વધે અને તેમનું આર્થિક ઉત્થાન થાય તેની ખાતરી કરશે તથા સ્થાનિકોના વિકાસની સુવિધા પૂરી પાડશે તેવુ કંપનીની એક યાદીમાં જણાવાયુ છે.
ગ્રામજનો આ મામલે કાયદાકીય લડત કરવા પણ તૈયાર: GHCL કચ્છના સોડા એશ ગ્રીનફીલ્ડ પ્લાન્ટ સ્થાપવા માટે કરેલા પ્રયત્નો બાદ સ્થાનિક ગ્રામજનો દ્રારા તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. અગાઉ પણ 20 જેટલા ગામના લોકોએ કંપની આવવાથી પર્યાવરણ સાથે ખેતી-પશુપાલન, પ્રવાસન સહિતની સમસ્યા ઉપસ્થિત થશે તેવી દહેસત સાથે વિરોધ કર્યો હતો. ગામના લોકોએ સ્થાનિક ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ગ્રામજનોએ વિવિધ મુદ્દાઓ સાથે આસપાસના 20 ગામના લોકો તથા ત્યાના આગેવાનો સાથે રેલી યોજી હતી. તેમજ કંપની આવવાથી થનારા નુકશાન સંદર્ભે લેખીત માંગણીઓ કરી હતી. જો કે હવે કંપનીને પર્યાવરણીય મંજૂરી મળી જતા પ્લાન્ટ સ્થાપવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. જો કે ગ્રામજનો આ મામલે કાયદાકીય લડત કરવા પણ તૈયાર છે.
પ્લાન્ટ શરૂ થતાં ઘોંઘાટનું સ્તર 85 ડેસિબલ સુધી પહોંચશે: ઓકટોબર 2018 અને માર્ચ 2019માં પ્લાન્ટથી 10 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ટેરેસ્ટ્રીયલ (જમીની) અને સમુદ્રી (મરીન) Environment Impact Assesement કર્યું હતું. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં સમુદ્રી કાચબા કે માછલીઓની ખાસ હાજરી જોવા મળી નથી. એટલે મોટાપાયે માછીમારી પ્રવૃત્તિ પણ જોવા મળી નથી. બાવળની ઝાડીઓ સિવાય કોઈ ચેરિયાં જેવી ખાસ વનસ્પતિ નથી. તેમજ સમુદ્રી જમીનનું આંતરિક બંધારણ એવું છે કે ત્યાં પરવાળા વિકસી ના શકે. આસપાસના વિસ્તારમાં દિવસે ઘોંઘાટનું સ્તર 44થી 52 ડેસિબલ અને રાત્રે 38થી 44 ડેસિબલ હોય છે. પરંતુ પ્લાન્ટ શરૂ થતાં ઘોંઘાટનું સ્તર 85 ડેસિબલ સુધી પહોંચશે. વાયુ અને અવાજનું પ્રદૂષણ ખૂબ હોય ત્યાં કામદારોને જરૂરી સંરક્ષાત્મક ઉપકરણો આપવામાં આવશે, તેમની નિયમિત તબીબી તપાસ થતી રહેશે. તો પ્રોજેક્ટના લીધે 1200 લોકોને પ્રત્યક્ષ અને 3000 લોકોને પરોક્ષ રોજગાર મળશે. તેવુ જણાવવામાં આવ્યું હતું.
કંપનીએ 200 કરોડનું રોકાણ-ખર્ચ કરવાની જોગવાઈ કરી: ફેક્ટરીના લીધે થતાં પર્યાવરણ નુકસાનને ખાળવા કંપનીએ ખુદ જાહેર કરેલા રિપોર્ટમાં પર્યાવરણીય સંરક્ષણ-સુધારણાના પગલાં-યોજના માટે 200 કરોડનું રોકાણ-ખર્ચ કરવાની જોગવાઈ કરી છે અને તે જ દર્શાવે છે કે કેટલી હદે પર્યાવરણને નુકસાન થશે.
20થી વધુ ગામના લોકોનો વિરોધ: GHCL ની આ સોડા એશ ફેક્ટરીના લીધે આ વિસ્તારમાં જળ અને વાયુ પ્રદૂષણ થશે. માત્ર બાડા ગામ જ નહીં માંડવીથી નલિયા પટ્ટીના 20થી વધુ ગામોનું હાલનું સ્વચ્છ, પ્રાકૃતિક વાતાવરણ ઝેરી પ્રદૂષણથી નુકસાન થઈ જશે તેવી ગ્રામજનોને ભીતિ છે. માંડવી તાલુકાના મોટા લાયજા, મેરાઉ, બાયઠ, દેઢીયા, ઉનડોઠ, ભીંસરા, ગોધરા, ભોજાય, માપર, બાંભડાઈ, ચાંગડાઈ, મોડકુબા, કોકલીયા, પાંચોટીયા, કાઠડા, ભાડા, જનકપુર અને વિંઢ એમ અન્ય 18 ગામોના લોકો GHCLનો વિરોધ કરી રહ્યાં છે.
મુંબઈ સ્થાઈ થયેલા લોકો શુદ્ધ આબોહવા માટે કચ્છ આવતા હોય છે: મૂળ બાડાના અને હાલમાં મુંબઈ સ્થાયી થયેલાં જૈન મહાજનો પણ વર્ષમાં 2 વખત કચ્છ આવતા હોય છે અને હવા ફેરબદલી માટે બાડાના શાંત વાતાવરણમાં રોકાતા હોય છે. તો પોતાના બાળકો સાથે અહીં ગામડાનું જીવન માણવા, પશુપાલન માણવા તેમજ શુદ્ધ આબોહવા માટે કચ્છ આવતા હોય છે ત્યારે જૈન મહાજન પણ કંપનીની સ્થાપના સામે વિરોધ ઉઠાવ્યો હતો. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ગામની મુલાકાત લેવા માટે અપીલ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ કંપની આવવાથી ગામને ખૂબ નુકસાન થશે. તેથી આ કંપની કોઈ પણ ભોગે ગામલોકોને નથી જોઇતી.
EIA રીપોર્ટમાં મોર અંગે કોઈ ઉલ્લેખ જ નહીં: ઉલ્લેખનીય છે કે બાડા ગામે આંતરરાષ્ટ્રીય વિપશ્યના કેન્દ્ર પણ આવેલું છે, જ્યાં દેશ- વિદેશમાંથી મોટી માત્રામાં સાધકો આવે છે. તો બાડાના સંકુલમાં જ 200થી વધારે મોર જોવા મળે છે. આસપાસના ગામોમાં પણ સેંકડો મોર છે. તો કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા EIA રીપોર્ટમાં મોર અંગે કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત રીપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં એકપણ કાચબો જોવા નથી મળ્યો.
ગ્રીન ટર્ટલ અને ઓલિવ રીડલી કાચબા ના હોવાનો રિપોર્ટમાં દાવો: આ વિસ્તારમાં ગ્રીન ટર્ટલ અને ઓલિવ રીડલી જેવા પ્રવાસી સમુદ્રી કાચબા કે જેમનો ‘લુપ્ત થતી પ્રજાતિ’માં સમાવેશ કરવામાં આવ્યો છે તેમના નેસ્ટીંગના કરેલાં અભ્યાસના તારણ મુજબ બાડાથી નાના લાયજા, લાયજાથી માંડવી સુધીના કાંઠે આ કાચબાઓના અનેક માળા જોવા મળતા હોય છે. કંપનીના પર્યાવરણીય એસેસમેન્ટના રીપોર્ટમાં કોઈ કાચબો જોવા ના મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જે સંપૂર્ણ ખોટો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
EIA રિપોર્ટ તૈયાર કરનાર બે સંસ્થાઓ જ બિનઅધિકૃત હોવાનો આક્ષેપ: ગ્રામજનોએ જણાવ્યું હતું કે EIA રિપોર્ટ તૈયાર કરનાર બે સંસ્થાઓ જ બિનઅધિકૃત છે અને આખો રીપોર્ટ કંપનીની તરફેણમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીને ભલે ને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે પરંતુ ગામલોકોની વિરોધ પૂર્ણ નહીં થાય અને જરૂર જણાશે તો હાઇકોર્ટમાં પણ કાયદાકીય વિરોધ કરવામાં આવશે. તો નેશનલ ગ્રીન ટ્યુબિનલમાં પણ ગામ લોકો જશે.
ગામના લોકોને કોઈ રોજગારી કે સીએસઆર ફંડની જરૂર નથી: આ ગામમાં કોઈ પણ પ્રકારના સીએસઆર ફંડની જરૂર નથી, તેમજ રોજગારીની પણ જરૂર નથી, કારણ કે અહીં દર વર્ષે 8 કરોડની મગફળીનું ઉત્પાદન, 12 કરોડના કપાસનું ઉત્પાદન, તો પોણા બે કરોડની કિંમતના દૂધનું ઉત્પાદન ગામલોકો કરી રહ્યા છે. તેમજ ગામલોકો પાસે ખેતી કરવા માટેના આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે ત્યારે ગામલોકોને કંપનીમાં મજૂરી કરીને રોજગારી મેળવવાની પણ કોઈ જરૂર નથી.
કંપનીએ બોગસ રિપોર્ટ તૈયાર કર્યા: આ ઉપરાંત કંપનીના રિપોર્ટમાં ગામમાં કોઇ રસ્તા, વોટર બોડી, વહેતી નદીઓ કે ચેકડેમ દર્શાવવામાં આવ્યા નથી અને અગાઉ કલેકટર દ્વારા પણ આ જમીનો ફાળવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગ્રામજનોની રજૂઆત બાદ અહીં વોટર બોડી અને ચેકડેમ હોવાનું જણાઇ આવતાં તે જમીન કંપનીને ફાળવવામાં આવી નથી. આમ કંપનીએ બોગસ રિપોર્ટ તૈયાર કરીને પર્યાવરણીય મંજૂરી મેળવી છે.
આ પણ વાંચો: