કચ્છઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા ફરીથી એક નેશનલ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં મુંદ્રા ખાતે અદાણી પોર્ટે 1 જ જહાજ પર 16,569 કન્ટેનર્સ હેન્ડલ કર્યા છે. અદાણી પોર્ટે પોતાનો અગાઉનો 16,400 કન્ટેનર્સ હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉનો નેશનલ રેકોર્ડ 22 જુલાઈ, 2022ના રોજ બનાવવામાં આવ્યો હતો.
16,5986 કન્ટેનર્સઃ મુંદ્રા ખાતે અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (AICTPL) દ્વારા 21 જાન્યુઆરી, 2024ના રોજ MV MSC લિવોર્નો જહાજમાં સફળતાપૂર્વક 16,569 Twenty Equivalent Units(TEU)નું સંચાલન કરવામાં આવ્યું છે. અદાણી પોર્ટથી આ જહાજ ચીન જવા રવાના થયું છે. ઓછા સમયમાં મેળવાયેલ આ સિદ્ધિ એક નેશનલ રેકોર્ડ બની ગઈ છે. અદાણી પોર્ટે અગાઉ પોતે જ બનાવેલ નેશનલ રેકોર્ડ તોડ્યો છે.
MV MSC લિવોર્નો એક વિશાળકાય જહાજઃ MV MSC લિવોર્નો જહાજ એક વિશાળકાય જહાજ છે. જેની લંબાઈ 366 મીટર એટલે કે ફૂટબોલના સાડા ત્રણ મેદાન જેટલી છે. હજારો કન્ટેનર્સની વહન ક્ષમતા ધરાવતા આ મહાકાય જહાજે કોલંબોથી આવી અદાણી મુંદ્રા પોર્ટ પર લંગર નાંખ્યું હતું. આ જહાજ પર 16,569 કન્ટેનરનું સંચાલન (લોડિંગ અનેઅનલોડિંગ) અદાણી પોર્ટસ પર કરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટની કામગીરી બાદ આ જહાજે યાન્ટિયન, ચીનની તેની યાત્રા શરૂ કરી હતી.
સૌથી મોટી પરિવનહ યુટિલિટીઃ APSEZ ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે. જે ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં રેકોર્ડબ્રેક કામ કર્યુ છે. APSEZ મુન્દ્રાએ ફરી એક વખત નોંધપાત્ર સિદ્ધિ સાથે દરિયાઈ ઈતિહાસમાં તેનું નામ રોશન કર્યું છે.