કચ્છ : કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાયા બાદ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળથી વર્તમાન સમય સુધી ભારત દેશમાં રાજપુત (ક્ષત્રિય) સમાજ જે હજારો વર્ષથી દેશ માટે રાષ્ટ્ર માટે, મા-બેન દીકરીની રક્ષા માટે, ગાયોની રક્ષા માટે રાષ્ટ્રની સુરક્ષા માટે લાખોની સંખ્યામાં બલીદાન આપી વીરગતિ પામેલ છે અને જેના પાળીયાઓ પણ છે.
કચ્છની ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા તૈયાર : જયારે દેશ રાષ્ટ્રની સુરક્ષા કાજે જરૂર પડે ભૂતકાળમાં રાજપૂત (ક્ષત્રિય) સમાજની વીંરાગનાઓ, રાણી લક્ષ્મીબાઈ તેમજ અનેક મહારાણીઓ તથા સમાજની મહિલા શકિતઓ રાષ્ટ્ર માટે સમર્પીત થયેલ છે અને પોતાના રક્ષણ માટે હજારોની સંખ્યામાં જોહર એટલે કે અગ્નિસ્નાન પણ કરેલ છે તેનો ઈતિહાસ સાક્ષી છે. આજે પણ કચ્છની ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા તૈયાર છે.
રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ઘવાયું : કચ્છ ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ જણાવ્યું હતું કે,પરશોત્તમ રૂપાલાના આ ખોટી વાણી વિલાસથી અમારા સમગ્ર સમાજમાં ખૂબ રોષ છે. તેથી આવા રાજકીય નેતા પરશોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભાની ટિકિટ રદ કરવાની ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજની માંગણી છે. તેને અમારા કચ્છ જિલ્લા રાજપુત ક્ષત્રિય સમાજનું સમર્થન છે અને અમારી સમગ્ર કચ્છ જિલ્લાના રાજપૂત સમાજના લોકોની આ માંગણી અને લાગણી છે. તેમણે રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ઘવાયું છે તેવું પણ જણાવ્યું હતું.
રાજપૂત ક્ષત્રિય સમાજનું ઘોર અપમાન : ક્ષત્રિય સમાજના અગ્રણી રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 24 માર્ચના હાલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ જાહેર જનતાની રૂબરૂમાં એવો ખોટો વાણીવિલાસ કરેલો તો આ બિલકુલ ખોટો વાણીવિલાસ કરી અમારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજનું ઘોર અપમાન કરી અમારા સમાજની બદનક્ષી કરેલ છે.
પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ : કચ્છ રાજપૂત કરણી સેનાના પ્રમુખ માધુભા સોઢાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાઈ હતી. આ સભામાં શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા, શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય યુવા સભા, શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય મહીલા સભા અને શ્રી રાજપૂત કરણી સેના કચ્છના આગેવાનો એકઠા થયા હતા.ક્ષત્રિય સમાજ પોતાના નિર્ણય પર અડગ રહ્યો છે અને પુરષોતમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી છે. નરેન્દ્ર મોદી રેકોર્ડ કરવામાં માને છે તો આ ટિકિટ રદ કરીને બતાવે.