કચ્છ: અનેક શિવભક્તો પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા યાત્રાએ જતા હોય છે. તેમજ 12 જ્યોતિર્લિંગ પૈકી ઉત્તરાખંડના દેવપ્રયાગમાં આવેલ કેદારનાથ મહાદેવનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત માટે આવતા હોય છે. ત્યારે કચ્છના મુન્દ્રા શહેરમાં આવેલા માનેશ્વર મહાદેવનું હાલમાં જ પુનઃ નવનિર્માણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, 450 વર્ષ જૂના મનેશ્વરના મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ છે. તેમજ શીતલા માતાનું પણ પ્રાચીન મંદિર છે. આ મંદિર કચ્છ કે કેદારનાથ તરીકે પણ ઓળખાય છે, અને મોટી સંખ્યમાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.
કેદારનાથ મંદિરના સ્થાપત્ય પરથી પ્રેરણા લઈને નિર્માણ: માનેશ્વર મહાદેવ ભક્ત મંડળ સમિતિ દ્વારા કેદારનાથ મંદિરના સ્થાપત્ય પરથી પ્રેરણા લઈને આ મંદિરનું પુનઃ નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર પુનઃનિર્માણ બાદ કચ્છના કેદારનાથ તરીકે ઓળખાઈ રહ્યું છે. મુન્દ્રાના કાથાવાલા કોમ્પ્લેક્સ નજીક આવેલા મંદિરને શીતળા માતાજીનું મંદિર કહે છે. આ મંદિર એક પૌરાણિક મંદિર છે અને રાજશાહી સમયનું છે. એક સમયે આ મંદિર પાસે તળાવ હતું અને મંદિર તળાવના પાળે શોભતું હતું.
માનેશ્વર મંદિર પાછળનો શું છે ઈતિહાસ? જાણો: મંદિરના પૂજારી ભિખુનાથ નાથબાવાએ જણાવ્યું હતું કે, રાજાશાહીના સમયમાં શિતલા માતાજીના દર્શન કરવા ગઢમાં આવવા દેવામાં આવતું તે સમયે મુંદ્રાને ડુમરા કહેવામાં આવતું. ત્યારબાદ તેમના દાદા રવાનાથ લાયજાથી મુંદ્રા આવ્યા ત્યારે જયાં પીપળાનું વૃક્ષ છે ત્યાં તેમણે પોતાનો ઉંટ બાંધી છીપર (શિલા)ના ટેકે આરામ કરવા જતા હતાં. ત્યાં છીપરમાંથી અવાજ આવ્યો ‘ઉઠ અને મને ઉભી કર" આવો અવાજ સાંભળી તેમણે આજુબાજુ જોયુ પણ કોઈ દેખાયું નહી. પણ જે ટેકે પોતે આરામ કરી રહયા હતા તે મોટી છીપરમાંથી અવાજ આવ્યો હતો એમ એમને લાગ્યું. ત્યાં ગાયને ચરાવવા લઇ આવતા બે વ્યકિતને જોઈ દાદાએ કહયું 'આ છીપર મને ઉભી કરવી છે મને સાથ આપો.” આમ બે ભાઇઓની મદદથી છીપરને ઉભી કરતા અલંકારિક શીતલા માતાજીના દર્શન થયા. પ્રગટ થયા બાદ શીતલા માતાજીએ કહયું “મને અહિં સ્થાપિત કરો” અને જોતજોતામાં અલંકાર સાથે સોનાનો ચાંદલો અને સોનાની નથ છીપરમાં રહી ગયા. જે આજે પણ જોઇ શકાય છે.
રાજાના સ્વપ્નમાં શીતલા માતાજી આવ્યા: દાદાએ કહયું કે, “સાંજ પડતા આ રાજા મને ગઢમાંથી બહાર કાઢશે. મને રહેવા દેશે નહીં.” ત્યારે માતાજીએ આસ્વાસન આપતા કહયું “રહેવા દેશે અને મારુ મંદિર પણ બનાવવા દેશે.” રાત્રીના સમયે રાજાના સ્વપ્નમાં માતાજી આવ્યા અને કહયું “મારુ સ્થાન નિશ્ચિત છે મંદિર બનાવવા આપ” ત્યારબાદ રાજાએ આ મંદિર બનાવ્યું અને દાદાને કહયું કે “તમે મંદિરની સેવા પુજા કરજો."
તળાવમાં તરતા તરતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ: સમય જતા તળાવમાંથી તરતા-તરતા શિવલીંગ બહાર આવ્યુ અને શીતલા માતાજીની પાછળ સ્થાપિત થયું. તેમની પણ અહીં પૂજા કરવામાં આવે છે. સ્વયંભૂ પ્રગટ શિવલિંગના શિવાલયનું નામ માનેશ્વર મહાદેવ તેમજ શીતલા માતાજી મંદિર જીર્ણોધ્ધાર થતા ગયા, મુન્દ્રા નગરનું તોરણ વિક્રમ સવંત 1688 વૈશાખ વદ-11 અંગ્રેજી તારીખ 14 મે 1632 ના રોજ બંધાયું, જયારે શીતલા માતાજીનું મંદિર તેનાથી પહેલા બન્યું હતું. શીતળા માતાજીના મંદિર પાસે જ મહાદેવનું શિવલિંગ મળતાં અહીં મહાદેવના મંદિરની પણ સ્થાપના કરવામાં આવી હતી.
1 કરોડના ખર્ચે પુનઃનિર્માણ: આજે આ માનેશ્વર મહાદેવ મંદિર અને પ્રાચીન શીતલા માતા મંદિર બન્ને મંદિરો મુન્દ્રાના અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનું અંદાજિત 1 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, અને જૂન મહિનાના અંતમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. મોટી માત્રામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.
શીતલા તેરસ અને શીતલા સાતમના અહીં ભીડ જામે છે: સ્થાનિક રહેવાસી ભાવેશ સોનીએ જણાવ્યું હતું કે, જૂનું પૌરાણિક મંદિર હતું તેને કેદારનાથ મંદિર જેવું લુક આપવામાં આવ્યું છે. જૂનું મંદિર જર્જરિત હતું ત્યારે આ મંદિરનું નવું બાંધકામ મુન્દ્રાના નગરવાસીઓ અને વેપારીઓના સાથ સહકારથી ખૂબ સારી રીતે પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ મંદિરનું જૂનું બાંધકામ કેદારનાથ મંદિર જેવું જ હતું. નવા નિર્માણમાં મંદિરની 31 જેટલી મૂર્તિઓને નવું રૂપ આપવામાં આવ્યું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા શિવ અને શીતળા માતાજીની મૂર્તિ પૌરાણિક રાખવામાં આવી છે. આ મંદિર અનેક લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે અહીં શીતલા તેરસ અને શીતલા સાતમના અહીં ભીડ જામે છે.મંદિરને નવું રૂપ આપીને હવે આ મંદિરને કચ્છનું કેદારનાથ કહેવામાં આવે છે.
મંદિરના પુનઃનિર્માણ બાદ સારો પ્રતિસાદ: અન્ય સ્થાનિક પંકજભાઈ પીઠડીયાએ જણાવ્યું હતું કે, આ મંદિરને નવું રૂપ આપ્યા પછી દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે અને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ મંદિર 450 વર્ષ જૂનું અને ઐતિહાસિક મંદિર છે.આમ તો આમાનેશ્વર મહાદેવ મંદિર જ છે પરંતુ કેદારનાથ જેવું નિર્માણ કરવામાં આવ્યું છે, તેથી તે કચ્છ કે કેદારનાથ તરીકે ઓળખાય છે.