કચ્છ : છેલ્લા 1 દાયકામાં કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા વિવિધ યોજનાઓ હેઠળ પાકા રસ્તાઓનું નિર્માણ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, ભારે વાહનોની સતત અવરજવર તેમજ રોડની ગુણવત્તાને લઈને અનેક વખત સમસ્યા સર્જાય છે. હાલમાં હાજીપીર વિસ્તારનો 32 કિમીનો રોડ બિસ્માર હાલતમાં છે.
વિકાસથી વંચિત હાજીપીર વિસ્તાર : હાજીપીર વિસ્તારનો 32 કિમીનો રોડ બિસ્માર હાલતમાં છે. હાજીપીર અને બન્ની કોર કમિટીના સ્થાનિક લોકોએ કચ્છ કલેકટર કચેરીએ રસ્તાની બિસ્માર હાલત અને અધૂરા કામ અંગે રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ રોડના અધૂરા કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
32 કિમી રોડની બિસ્માર હાલત : યાકુબ મુત્વાએ જણાવ્યું કે, દેશલપર ગુંતલી ફાટકથી 16 કિલોમીટર સુધી રોડનું કામ 22 કરોડના ખર્ચે થયું છે. જે થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું. આ રોડ અત્યારે સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેનું રીપેરીંગ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને રોડ મજબૂત ટકી રહે તેના માટે નવી દરખાસ્ત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
ઢોરોથી હાજીપીર રોડનો અધૂરો વિકાસ : આ ઉપરાંત ઢોરોથી હાજીપીર સુધીનો અન્ય 16 કિલોમીટરનો રસ્તો 16 કરોડના ખર્ચે મંજૂર થયો હતો. જેમાં મેટલ કામ કરી અને ત્યારબાદનું કામ એજન્સી દ્વારા અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે. જેનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી તેમની માંગણી છે. આ રાજમાર્ગ સમગ્ર વિસ્તાર માટે અત્યંત જરૂરી છે. તો લાંબા ગાળા સુધી આ રોડ ટકી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે તે જરૂરી છે.
ભારે વાહનોની અવરજવરનો બોર્ડર માર્ગ : સ્થાનિક લોકોએ માંગ કરી છે કે, આ રોડ પર જે ટ્રાફિક થાય છે તેનો સત્તાવાર રિપોર્ટ ગુજરાત સરકાર સુધી પહોંચાડવામાં આવે. આ માર્ગ ભારત-પાકિસ્તાન સરહદને જોડતો બોર્ડર માર્ગ છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે હાલ આ માર્ગ પર ગાડી ચલાવી શકાય તેમ નથી. વિવિધ કંપનીઓના ભારે વાહનો અને મીઠાની ગાડીઓ અહીંથી પસાર થતી હોય છે, ત્યારે પણ આ રોડને નુકસાન પહોંચે છે.
સ્થાનિક લોકોએ વધુમાં કહ્યું કે, જો ભુજથી નખત્રાણા સુધીના ફોર લેન રોડ માટે 937 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવતા હોય, ગોરવાલીથી ધોરડો રોડ માટે 80 કરોડ મંજૂર કરવામાં આવતા હોય, તો મંજૂર થયેલા આ રોડનું કામ અધૂરું કેમ છે અને તેને કોણ રોકી રહ્યું છે, તે મોટો પ્રશ્ન છે.
8 દિવસનું અલ્ટીમેટમ, આંદોલનની ચિમકી : રજૂઆત માટે આવેલા જબ્બાર જતે જણાવ્યું કે, આ રસ્તા માટેની રજૂઆત આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વની છે. જો 8 દિવસમાં આ રસ્તા અંગે કોઈ નિર્ણાયક પગલાં લેવામાં નહીં આવે તેમજ અધૂરું કામ પૂર્ણ કરવામાં નહીં આવે, તો ન છૂટકે નરા ફાટક પર આ વિસ્તારના તમામ આગેવાનો, રહેવાસીઓ સાથે રાખી રસ્તાઓ પર લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે.
ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા મોટા અને અતિ ભારે વાહનો રોકવામાં આવશે. જેમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. જિલ્લા કલેકટર દ્વારા હાલમાં આ વિસ્તારના લોકોને માર્ગ અને મકાન વિભાગને આ બાબતે જરૂરી સૂચનો આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.