કચ્છઃ 12 ફેબ્રુઆરી 1948ના દિવસે ભાઈ પ્રતાપ ડીયલદાસ નૈનવાણી, આચાર્ય કૃપલાણી, એસઆરસીના ડાયરેક્ટર્સ તથા ભારત સરકારના અધિકારીઓની હાજરીમાં આદિપુરમાં શિવમંદિર અને ગાંધીજીના અસ્થિઓની સમાધિ બનાવી આદિપુર-ગાંધીધામનો પાયો નાંખવામાં આવ્યો હતો. 1947ની આઝાદી બાદ દેશના ભાગલા વખતે પાકિસ્તાનમાં જે હિન્દુઓ હતા કે જે સિંધ પ્રદેશમાં રહેતા હતા તેમના વસવાટ માટે ગાંધીધામ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. સરદાર પટેલના સૂચનથી કચ્છના મહારાઓ દ્વારા એક ઝાટકે કંડલા બંદર અને અંજાર શહેર વચ્ચેનો 15 હજાર એકર વેરાન પ્રદેશ સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લી. એટલે કે એસઆરસીને આપવામાં આવ્યો હતો.
મહાત્મા ગાંધીના હસ્તે થવાનું હતું શહેરનું ઉદઘાટનઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શહેરની સ્થાપનામાં અંગત રસ લીધો હતો. ભાઈપ્રતાપની લાગણી હતી કે શહેરનું ઉદ્દઘાટન મહાત્મા ગાંધીના હસ્તે જ થાય, પરંતુ 30 જાન્યુઆરી-1948ના રોજ ગાંધીજીની હત્યા થઈ ગઈ. આ સમયે આચાર્ય કૃપલાણી સાથેના અગ્રણીઓએ તેમની અસ્થિઓનો એક ભાગ માથે ઉઠાવીને ગાંધીધામ લઈ આવ્યા હતા. જેનો કેટલોક ભાગ કંડલાની ક્રિકમાં પધરાવાયો તો કેટલોક આદિપુરની ગાંધીજીની સમાધીમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. તે દિવસને ગાંધીધામ શહેરના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એક પંચરંગી શહેરઃ 76 વર્ષ અગાઉ આ શહેરમાં માત્ર ઉજ્જડ મેદાન હતું. જો કે ટૂંકા સમયગાળામાં આ શહેરએ મહા નગર પાલિકાનો દરજ્જો મેળવીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગાંધીધામ એક પંચરંગી શહેર છે. અહીં દેશના દરેક પ્રાંતમાંથી ખાલી હાથે આવેલા લોકોએ અહીંની જમીન અને ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે આજે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.
1953માં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાઃ વર્ષ 1949થી શહેરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ શહેરનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય તે જરૂરી હતું. તેથી વર્ષ 1953માં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરવામાં આવી હતી. ભાવિ પેઢીમાં શિક્ષણનું સિંચન કરવા તે સમયના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્કૂલોના સમુહ મૈત્રી મંડળની સ્થાપના કરવામાં આવી હતી. કંડલા પોર્ટની જગ્યાએ કંડલા પોર્ટ મહા બંદર તરીકે વિકસી શકે તે માટે કંડલા પોર્ટની સ્થાપના કરવા દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અહીં આવ્યા હતા. તેથી પોર્ટને ધમધમતું થવામાં મદદ મળી. 1959માં નેહરૂ કેબિનેટમાંથી કંડલા ફ્રી ટ્રેડ ઝોન પાસ કરાવવામાં આવ્યો હતો. 1965માં કંડલા ફ્રી ટ્રેડ ઝોન વિશ્વનો બીજા નંબરનો અને એશિયાનો સૌ પ્રથમ ફ્રી ટ્રેડ ઝોન હતો.
1998માં કુદરતી આફતનો મારઃ વર્ષ 1965માં ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ખૂબ મોટો હતો. ત્યારે તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીધામ આવ્યા હતા. દેશના પ્રથમ સેઝ કાસેઝની સ્થાપના કરી હતી. જેમાં આજે 30000થી પણ વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. એક બાજુ ગાંધીધામ આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યું હતું. તે સમયે વર્ષ 1998માં કંડલા પોર્ટ પર ભયાનક વાવાઝોડું આવ્યું હતું. જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક લોકો મદદે આવી બાદ આજે ફરી આ પોર્ટ ધમધમતું થયું છે.
ભૂકંપ બાદ વિકાસની હરણફાળઃ વર્ષ 2001માં 26મી જાન્યુઆરીના રોજ સવારે આવેલા ગોઝારા ભૂકંપે સમગ્ર કચ્છ સાથે ગાંધીધામને પણ ખેદાન મેદાન કરી નાખ્યું. ગાંધીધામ શહેરની 50થી વધુ ઈમારતો ધરાશાઈ થઈ ગઈ. ત્યારબાદ તત્કાલિન અટલ બીહારી વાજપાઈની સરકારે ઉધોગો માટે યોજના લાવતા નાના અને મોટા દરેક પ્રકારના ઉધોગો અહીં આવવા આકર્ષાયા. ત્યારબાદથી ગાંધીધામ શહેરનો વિકાસ આજે અવિરતપણે ચાલુ છે.
2024માં મહા નગર પાલિકાનો દરજ્જોઃ આજે ગાંધીધામની વસ્તી 5,39,357 જેટલી છે. જે શહેરના વિકાસ માટે મહા નગર પાલિકા જરૂરી હોવાનો દાવો દર્શાવે છે. ત્યારે હાલમાં જ ગાંધીધામ શહેરના સ્થાપના દિવસની ભેટ સ્વરૂપે અને રાજકીય આગેવાનો અને ગાંધીધામ ચેમ્બર્સના અથાગ પ્રયત્નો થકી અંતે 2024ના બજેટમાં સતાવાર રીતે ગાંધીધામને મહા નગર પાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે હજી પણ શહેરમાં અનેક સમસ્યાઓ છે જે કોર્પોરેશન બન્યા સુધીમાં ઉકેલાઈ જશે તો આર્થિક પાટનગર ગાંધીધામમાં પણ મેટ્રો સિટી જેવો માહોલ સર્જાશે.
ઓવરબ્રિજનું લોકાર્પણઃ ગાંધીધામના ઓસ્લો ઓવરબ્રિજનું કામ છેલ્લાં થોડાક વર્ષોથી ચાલી રહ્યું હતું. આમ તો ડો.બાબા સાહેબ આંબેડકર સર્કલ, ઓસ્લો સર્કલ પાસે ભારે ટ્રાફિક સર્જાતી હોવાથી આ ઓવરબ્રિજની આવશ્યક્તા હતી. અનેક મુશ્કેલીઓ બાદ હવે આ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજવી રેલવે ક્રોસિંગના લાંબા સમયથી અટકાયેલો પ્રોજેક્ટ પણ વેગ પકડી રહ્યો છે. 1.5 વર્ષ જેટલા સમયમાં તેનું કામ પણ પૂર્ણ થશે જેનો લાભ હજારો વાહનચાલકોને થશે.
આંતરાષ્ટ્રીય કક્ષાનું રેલવે સ્ટેશનઃ દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા મહત્વકાંક્ષી તુણા ટેકરા કન્ટેનર અને મલ્ટિ પર્પઝ બર્થના પ્રોજેક્ટ માટે યુએઈના ડીપી વર્લ્ડ સાથે કરાર થયા છે. તે 2 વર્ષમાં શરૂ થતા જ ગાંધીધામ અને કંડલા પોર્ટ પર ઔધોગિક ગતીવીધી વધી જશે. હજારોની સંખ્યામાં ધંધા રોજગારનું નિર્માણ થશે. ગાંધીધામના રેલવે સ્ટેશનને આંતરાષ્ટ્રીય કક્ષાના રેલવે સ્ટેશનનું સ્વરુપ આપવામાં આવશે. આ કાર્ય ટૂંક સમયમાં કામ શરૂ થાય તેવો અંદાજ છે.
વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની આશાઃ આદિપુર થી ગાંધીધામ અને સામખિયાળી સુધી 4 રેલ માર્ગ બનાવવાની કેબિનેટની મંજૂરી મળતા જ આ કાર્ય શરુ કરવામાં આવશે. હાલમાં જ રેલવે વિભાગ દ્વારા ભુજ સુધી ઇલેક્ટ્રિક ટ્રેનનું સંચાલન સફળતાપૂર્વક કરાયું છે. ત્યારે વંદે ભારત એકસપ્રેસ ટ્રેન દોડાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આમ, ખૂબ જ ટૂંકા સમયગાળામાં કચ્છના આર્થિક પાટનગર અને હવે મહા નગર પાલિકાનો દરજ્જો મેળવનાર ગાંધીધામએ વિકાસયાત્રામાં ગતિ પકડી છે.