કચ્છ : સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તાર લખપત તાલુકામાં ભેદી વાયરસના કારણે 18 લોકોના મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ રોગચાળા પાછળના સચોટ કારણો હજુ ન મળ્યા નથી. આરોગ્ય માળખું મજબૂત રીતે કામગીરી કરી રહ્યું છે, કચ્છની 40 તથા અન્ય જિલ્લામાંથી આવેલ આરોગ્ય ટીમોએ અસરગ્રસ્ત 8 ગામો તથા તેની 10 કિ.મી ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં સર્વેલન્સ સહિતની કામગીરી યથાવત રાખી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થિતિ હવે નિયંત્રણમાં છે.
ભેદી વાયરસે 18 ભોગ લીધા : અબડાસા અને લખપત તાલુકામાં ફેલાયેલા શંકાસ્પદ તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ખાસ કરીને મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. અત્યાર સુધી આ ભેદી રોગના કારણે 18 લોકોના મોત થઈ ચુક્યા છે. આરોગ્ય પ્રધાન સહિતના નેતાઓ દોડી આવ્યા બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગનો કાફલો અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતારી દેવાયો છે. કચ્છના લખપત-અબડાસા વિસ્તારના 8 જેટલા ગામોમાં ભેદી બીમારીથી સર્જાયેલી સ્થિતિથી ખુદ આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે.
મોતના કારણ અંગે મોટો ખુલાસો : એક તરફ મૃત્યુઆંક વધી રહ્યા છે, બીજી તરફ મોત અંગે સચોટ કારણો સામે આવ્યા નથી. આરોગ્ય પ્રધાન તથા આરોગ્ય કમિશ્નરની મુલાકાત પહેલા અત્યાર સુધી 18 દર્દીઓના મોત થયા છે. જેના લેવાયેલા સેમ્પલમાં તમામ મોતના કારણો અંગે અલગ-અલગ મેડીકલ અભિપ્રાય સામે આવ્યા છે. જોકે, મેડીકલ તપાસણીમાં કોરોના અને સ્વાઇન ફ્લુ જેવા પ્રાથમિક લક્ષણો સામે આવતા આરોગ્ય વિભાગે તેના પ્રોટોકોલ મુજબ નિદાન પણ શરૂ કરી દીધા છે.
12 કેસમાં શંકાસ્પદ ન્યુમોનિયાના લક્ષણો : કચ્છના લખપત અને અબડાસા તાલુકાને જોડતા 8 જેટલા ગામોમાં આ રીતે ભેદી મોત થઈ રહ્યા છે. તે વચ્ચે પુના તથા અન્ય જગ્યાએ મોકલાયેલા નમૂનાઓના રિપોર્ટ સામે આવ્યા છે. તે મુજબ જાણવા મળે છે કે મૃત્યુ પામનાર પૈકી 12 વ્યક્તિઓમાં શંકાસ્પદ ન્યુમોનિયા લક્ષણો દેખાયા છે. તો 2 વ્યક્તિના મોત માટે હાર્ટ એટેક જવાબદાર છે, 1 વ્યક્તિનું સ્ટોક આવતા મોત થયુ છે. જ્યારે અન્ય 1 વ્યક્તિનું બ્લડ કેન્સર, 1 વ્યક્તિનું H1N1થી તો 1 વ્યક્તિનું સેપટીક શોકથી મોત થયું છે.
ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તૈયાર : 18 મૃતકોમાં 11 પુરૂષ તથા 7 મહિલાઓનો સમાવેશ થાય છે. પરંતુ હજુ મોતનું ચોક્કસ કારણ મેડીકલ તપાસણીમાં પણ સ્પષ્ટ થયું નથી. અબડાસામાં 8 અને લખપતમાં 10ના મોત થયા છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ તાવના કેસમાં સારવાર માટે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પણ તૈયાર કર્યો છે. હાલ પ્રાથમિક લક્ષણોમાં તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. સાથે કચ્છના તમામ હોસ્પિટલ તથા ડોકટરોને પ્રવર્તમાન શંકાસ્પદ તાવના કેસમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જારી કરવાની કામગીરી કરાઈ છે.
આરોગ્ય વિભાગની કામગીરી : આરોગ્ય અધિકારી ડો. રવિન્દ્ર ફુલમાલીએ જણાવ્યું હતું કે, રાજ્યમાંથી 50 ટીમ અને જિલ્લાની 30થી વધુ આરોગ્ય ટીમ હાલ આ 8 ગામ તથા આસપાસના 10 કિમી વિસ્તારમાં આવતા ગામોમાં સર્વેલન્સ કરી રહી છે. અત્યાર સુધી 2500 થી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરાયું છે. જેમાં કેટલાક તાવના કેસ સામે આવ્યા હતા. ભુજ તથા નજીકના તાલુકા મથકો પર એકસ્ટ્રા બેડ સહિતની મેડીકલ સુવિદ્યા પણ ઉભી કરાઇ છે. કચ્છમાં હાલ ભેદી રોગચાળા સામે સ્થાનિક તંત્રથી લઇ સરકાર પણ એક્શનમાં છે.
સ્થિતિ હવે નિયંત્રણમાં ? આરોગ્ય પ્રધાન સહિતના અધિકારીઓ સતત આ વિસ્તારની દેખરેખ માહિતી મેળવી રહ્યા છે. તે વચ્ચે હજુ મોતના સચોટ કારણ સામે ન આવતા પણ લોકોમાં ભય છે. જોકે, આરોગ્ય વિભાગે લીધેલા પગલાઓ બાદ સ્થિતિ સુધરી છે. પરંતુ હજુ સંપૂર્ણ સ્થિતિ થાળે પડતા સમય લાગી જશે. પરંતુ વધુ મોતના કોઈ કિસ્સા સામે આવ્યા નથી, તે બાબત રાહતરૂપ છે. તે વચ્ચે આરોગ્ય નિષ્ણાંતો આ વિસ્તારમાં સતત અભ્યાસ અને કામગીરી કરી રહ્યા છે.
રાયનો વાયરસ હોવાની આશંકા : આમ તો એક રીતે જોતાં પૂણેની લેબના રીપોર્ટમાં અસરગ્રસ્તોમાં રાયનો વાયરસ (Rhinovirus) હોવાનું જણાઈ આવ્યું છે. આ વાયરસ સામાન્ય છે, જેમાં લોકોને શરદી-ખાંસી થાય છે. પરંતુ જે વ્યક્તિને વાયરસનો ચેપ લાગે તેનું નાક વહેવા માંડે અથવા નાક બંધ થઈ જાય છે. સાથે જ દર્દીને ખૂબ ઉધરસ આવે, ગળાની અંદર ચાંદા પડી જવા અને સખત તાવ આવે છે. જો દર્દી કોઈને સ્પર્શ કરે કે ઉધરસ ખાય અથવા તો તેના સંપર્કમાં કોઈ આવે, તો તેને પણ આ વાયરસનો ચેપ લાગે છે. આ વાયરસના લીધે દર્દીઓને અસ્થમા કે ન્યુમોનિયા જેવી બીમારી થઈ રહી છે. આ ચેપી વાયરસ ઇન્ફ્લુએન્ઝા એ અને બીનો વાહક છે, એટલે કે સ્વાઈન ફ્લુ અને કોવિડ જેવા લક્ષણો પણ દર્દીઓને તેની પરિસ્થિતિ મુજબ તેની અસરકારકતા કે ઘાતકતા હોય છે, જેના લીધે દર્દીઓ મૃત્યુ પણ પામતા હોય છે.