કચ્છ: જિલ્લાના ગાંધીધામના કંડલા રોડ પર આવેલી ઈમામી કંપનીમાં પાંચ કામદારોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગઈ રાત્રે 12:30 કલાકે પ્લાન્ટની શટ-ડાઉન કામગીરી દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. સફાઈ કામગીરી સાથે સંકળાયેલા સુપરવાઈઝર ટાંકીમાં પડી જતા તેમને બચાવવા પડેલા અન્ય 4 કામદારોનું પણ ગેસ લીકેજથી મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘતાં મુદ્દે કંડલા મરીન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝેરી ગેસના કારણે પ્લાન્ટમાં 5 કામદારોના મોત: કંડલા પોર્ટ નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાંચ કર્મચારીના મૃત્યુ નીપજ્યું છે. પાંચ મૃતકોમાં કંપનીના સુપરવાઈઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.
સુપરવાઈઝર ટેન્કની અંદર પડી ગયો હતો: પ્રોડક્શનમાં વપરાતા ખાદ્યતેલનો વેસ્ટ પ્રવાહી એક ટેન્કમાં એકઠો થાય છે જેને સાફ કરવા હેતુથી સુપરવાઈઝર ટેન્ક ઉપર ચઢીને નીરિક્ષણ કરતો હતો. તે સમયે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે બેહોશ થઈને તે ટેન્કની અંદર પડી ગયો હતો.
ટેન્ક ઓપરેટર સહિત અન્ય 3 કામદારોએ પણ ટેન્કમાં કૂદકો માર્યો: ઘટનાની જાણ થતાં ટેન્કમાં પડી ગયેલા સુપરવાઈઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરે પણ અંદર કૂદકો લગાવ્યો હતો, પરંતુ બન્ને જણાને ગૂંગળાતાં જોઈ બાજુમાં રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એક ટેન્કમાં કૂદકો માર્યો હતો. અને જોત જોતામાં ઝેરી ગેસથી ગૂંગળાઈને પાંચે જણ ટેન્કમાં જ મૃત્યુ પામ્યાં હતાં. સમગ્ર દુર્ઘટના અંગે કંડલા મરીન પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમો સ્થળ પર દોડી ગઈ છે.
કંડલા મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી: આ ઘટનામાં મૃત્યુ પામનારાં કર્મચારીઓમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોરનો સમાવેશ થાય છે. તમામ મૃતકોના મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.
સમગ્ર મામલે કંડલા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વાળાએ જણાવ્યું હતું કે, "મરીન કંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને કઈ રીતે અને કેટલી સહાય કરવામાં આવશે તે આગામી સમયમાં જાણવા મળશે. તેમજ કામદારો માટે પ્લાન્ટ પર સુરક્ષાના સાધનો હતા કે નહીં તે સહિતની તપાસ કરવામાં આવશે."
આ પણ વાંચો: