કચ્છઃ કચ્છ (Kutch)ના મુન્દ્રામાં DRIની ફરી એકવાર મોટી કાર્યવાહી સામે આવી છે અને મુન્દ્રામાં સુદાનથી આવેલ 200 જેટલા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યા છે. ડિરેકટરોટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ગાંધીધામ શાખા દ્વારા ઝડપાયેલા કન્ટેનરમાં 100 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતા તરબૂચના બીજ મળી આવ્યા છે. પ્રતિબંધિત હોવા છતાં ખોટા બીલો સાથે મુન્દ્રા પોર્ટ પર બીજ આયાત કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં 17 ઇમ્પોર્ટર છે અને અંદાજે 39.65 કરોડની દાણ ચોરી સ્પષ્ટ થાય છે.
DRI ની કાર્યવાહી, 100 કરોડનો તરબૂચના બીજનો માલ જપ્ત
કચ્છના મુન્દ્રા પોર્ટ (MUNDRA Port) પરથી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના જાહેરનામાની શરતોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય માટે પણ જોખમી બની શકે તેવા તરબૂચના બીજ કસ્ટમ વિભાગને છેતરીને આયાત કરવાનો મામલો સામે આવ્યો છે. ગાંધીધામની ડીઆરઆઇ શાખાએ તેમના સર્ચ ઓપરેશનમાં કરેલા કાર્યવાહીમાં લગભગ રૂા. 100 કરોડનો માલ જપ્ત કરી દેવામાં આવ્યો છે.
17 આયાતકાર સામેલ
ગાંધીધામની ડીઆરઆઇ શાખાને ખાનગી બાતમી મળી હતી કે, સુદાનમાંથી મુંદરા પોર્ટ પર 17 આયાતકાર તરબૂચના બીજ મંગાવી રહ્યા છે અને તેમાં તા. 5/4/24ના ડીજીએફટીના જાહેરનામાનો ભંગ થાય છે. આ જાહેરનામામાં એવી શરતો હતી કે, તા. 1/5/24થી 30/6/24 સુધી આવો માલ મંગાવી શકાતો હતો અને એ સમયમાં શિપમાં તે ચઢી જવું જોઇએ અને બિલ ઓફ લોડીંગ જારી થવું જોઇએ.
તરબૂચના બીજને આયાત કરવા પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે તરબૂચના બીજ એ જ આયાતકાર મંગાવી શકે જે ફેક્ટરીમાં પ્રોસેસ માટે આવા બીજનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ભારતમાં ખાસ કરીને પંજાબી ભોજન અને ફાસ્ટફૂડની આઇટમોમાં મોંઘા કાજુના બદલે આવા બીજનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે, ત્યારે ફરિયાદો ઊઠતાં સરકારે તરબૂચના બીજને આયાત કરવા પર પ્રતિબંધ કરી દીધા છે, છતાં પણ હજુ વિવિધ રીતે પ્રતિબંધિત માલ ઘૂસાડવાના પ્રકરણો બની રહ્યા છે.
39.65 કરોડની ડયૂટી ચોરીની સંડોવણી
ભારતમાં આવો પ્રતિબંધિત માલ ઘૂસાડવામાં આવ્યાની શંકાના આધારે 100 જેટલા કન્ટેનર અટકાવવામાં આવ્યા હતા અને કસ્ટમને સબમિટ કરાયેલાં બિલમાં 30/6 પહેલાની તારીખ હતી, પરંતુ ઓનલાઇન ટ્રેકિંગથી ધડાકો થયો કે, ઓરિજિનલ બિલમાં પછીની તારીખો હતી, જેના લીધે આ કન્ટેનરોમાં રહેલો લગભગ 100 કરોડનો માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ કનસાઈનમેન્ટમાં 39.65 કરોડની ડયૂટી ચોરીની સંડોવણી પણ બહાર આવી છે.