કચ્છ : કચ્છની ગાંધીધામ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ એક મહિલાની ધરપકડ કરી હતી. આ મહિલા પાસેથી 19.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે. કેસની તપાસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામા આવી છે. કચ્છમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થો પકડાતાં રહે છે ત્યારે માદક પદાર્થોનું સેવન કરવા માટે જતાં લોકો ડ્રગ પેડલર્સ પાસેથી આવી વસ્તુઓ ખરીદતાં હોય છે. ખાસ કરીને યુવાધન નશાની ચુંગાલમાં ન સપડાય તે માટે પોલીસ દ્વારા પણ ખાસ સતર્કતા વરતવામાં આવતી હોય છે. એવી રીતે જ ગાંધીધામ પોલીસની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ, પૂર્વ કચ્છની ટીમ દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો છે. ગાંધીધામ પોલીસે પોતાના મકાનમાં માદક પદાર્થોનું વેચાણ કરતી રેખાબેન નરેશભાઇ નટ નામની મહિલાની ધરપકડ કરી એનડીપીએસ એક્ટમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સાજણ ડફેર નામના એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પૂર્વ કચ્છમાં નો ડ્રગ અભિયાન : ગાંધીધામ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN " હેઠળ ગેરકાયદે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) પકડી પાડી ગાંધીધામ એસઓજી ટીમની સફળતા છે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન,હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ ક૨વા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે.
બાતમીના આધારે થઇ રેઇડ : જેને લઇને ગાંધીધામ એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે ગાંધીધામ વિસ્તારમાં આવેલી ગાંધીધામ જેલની પાછળ કૈલાશનગર ઝૂંપડા, ગળપાદર તા.ગાંધીધામ ખાતે રહેતા રેખાબેન નરેશભાઈ નટ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ મેફેડ્રોન રાખી વેચાણ પ્રવૃત્તિ ક૨તી હોવાની જાણ થઇ હતી. જેથી તેના રહેણાંકના મકાનમાં રેઈડ કરી તપાસ ક૨તા તેની પાસેથી મેફેડ્રોન વજન 19.5 ગ્રામ કિ.રૂ.1,95,000 ના મુદ્દામાલ સાથે મળી આવી હતી. જેને પગલે મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાને આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
કુલ 2,07,910નો મુદ્દામાલ જપ્ત : પોલીસે અટકાયત કરેલા આરોપીમાં રેખાબેન નરેશભાઈ નટ ઉપરાંત અન્ય આરોપી જે પકડવાના બાકી છે તેમાં સાજણ ડફેર નામના આરોપીનો સમાવેશ થાય છે. મહિલા પાસેથી જપ્ત કરવામાં આવેલ 19.5 ગ્રામ મેફેડ્રોન પદાર્થ ઉપરાંત મોબાઇલ ફોન, વજનકાંટો, નાણાં રાખવાનું પર્સ, રોકડ રકમ, આધાર કાર્ડ લાઇટ બિલ વગેરે મળી કુલ 2,07,910નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગાંધીધામ પોલીસની આ કાર્યવાહીમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એન એન ચૂડાસમા, પીએસઆઈ એન કે ચૌધરી તથા અન્ય એસઓજી સ્ટાફે કામગીરી પાર પાડી હતી.