કચ્છ: જીલ્લામાં હાલમાં નેશનલ હાઈવે નંબર 341 ભીમાસર-ભુજ ફોરલેન હાઈવેનું કામ ચાલુમાં છે. આ રસ્તા ઉપર વરસામેડી ગામની બાજુમાં ચેનેજ નંબર 13,000 ઉપર ટોલપ્લાઝા બની રહ્યું છે અને કુકમા ગામની બાજુમાં ચેનેજ નંબર 49000 ઉપર ટોલપ્લાઝા બની રહ્યું છે. બન્ને વચ્ચેનું અંતર માત્ર 36 કિ.મી. થાય છે. જે નીતિન ગડકરીના મંત્રાલયના નિયમ વિરુદ્ધ હાલમાં કામગીરી ચાલી રહી છે. જેથી આ રસ્તા ઉપરથી પસાર થનાર વાહનને માત્ર 36 કિ.મી.ની અંદરમાં બે ટોલગેટ ઉપર ટોલ ચૂકવવાનું થશે જેનો બોજ પરિવહન પર થશે. તમને જણાવી દઈએ કે, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના નીતિન ગડકરીને ઉદ્દેશીને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વી.કે.હુંબલે આ મામલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.
નીતિન ગડકરી દ્વારા લોકસભા સત્રમાં આવા ટોલપ્લાઝા બંધ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.
તમામ સાંસદોની વચ્ચે લોકસભામાં રેકર્ડ ઉપર જાહેરાત: લોકસભસાના સત્રમાં નીતિન ગડકરી દ્વારા 22 માર્ચ 2022ના રોજ ભારતના તમામ સાંસદોની વચ્ચે લોકસભામાં રેકર્ડ ઉપર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ નેશનલ હાઈવેમાં 60 કી.મી. સુધીમાં બે ટોલગેટ નહિ હોય અને દેશમાં કોઈ પણ જગ્યાએ 60 કી.મી.ની અંદર બે ટોલપ્લાઝા હશે તો તે બંધ કરાવવામાં આવશે. પરંતુ આ નવા નેશનલ હાઈવે નંબર 341 માં હાલ ફોરલેન બનાવવાની કામગીરી ચાલુ છે. જેમાં માત્ર 36 કિ.મી.ના અંતર ઉપર બે ટોલપ્લાઝા બની રહ્યા છે જે નિયમથી વિરુદ્ધ છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ ઉપર એક ટોલપ્લાઝા જ હોવું જરૂરી છે. જેથી આ બાબતે મંત્રાલય દ્વારા યોગ્ય તપાસ કરાવી અને તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરવા કોંગ્રેસ સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.
યોગ્ય પગલાં ભરવા માટે કોંગ્રેસ સમિતિની માંગણી: કચ્છ એ સરહદી જીલ્લો છે. જેમાં બે બંદર આવેલા છે. અહી ટ્રાન્સપોર્ટ આધારિત ઘણા લોકો રોજગારી મેળવે છે અને જો બે ટોલપ્લાઝા બનાવવામાં આવશે તો ભારે નુકસાની સહન કરવી પડશે. જેથી નીતિન ગડકરીની જાહેરાત અનુસાર 60 કી.મી. સુધી એક જ ટોલપ્લાઝા હોવું જોઈએ જેથી આ બાબતે યોગ્ય પગલાં ભરવા માટે માંગણી કરવામાં આવી છે. આ બાબતે કચ્છ જીલ્લા અધિક કલેકટર મિતેશ પંડયાએ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: