કચ્છઃ નર્મદાના પાણી માંડવી અને મુંદ્રા વિસ્તારના મોડકૂબા સુધી પહોંચતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન માનવામાં આવતા હતા. આજે એ જ પાણીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં આજે બપોરે મોટું ગાબડું પડ્યું હતું. આ ગાબડાના કારણે લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. જેનાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભર ઉનાળે પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાયું હતું.
નબળી કામગરી પર પ્રશ્નાર્થઃ માંડવી-મુન્દ્રા વિસ્તારના લોકો દ્વારા નાની ખાખર, મોટી ખાખર સહિતના વિસ્તારમાં નર્મદાની કેનાલોમાં યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ માંડવી-મુન્દ્રા વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડ્યું હતું ત્યારે કેનાલની નબળી કામગીરી પર પ્રશ્નો ઊભા થયા હતા. આ અંગે નર્મદા નિગમના અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.
શું કહે છે ધારાસભ્ય?: આ અંગે માંડવી-મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ etv Bharat સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મોટી ખાખર વિસ્તારમાં નર્મદાનાં કેનાલમાં ગાબડું પડ્યું છે. હાલમાં નર્મદા નિગમના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે. ગાબડું પડતાં પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી ઓછું થઈ ગયા બાદ કંઈ રીતે ગાબડું પડ્યું તે અંગે તપાસ કરવામાં આવશે. નર્મદા નિગમના અધિકારીઓએ ગાબડું પડવાનું પ્રાથમિક કારણ કેનાલ પાસે આવેલા ખેતરના બોરની પાઈપલાઈન ગણાવી છે. આ પાઈપલાઈન કેનાલ નીચેથી પસાર થઈ રહી છે. વધુ કારણ આગામી સમયમાં જાણવા મળશે.
ખેડૂતોને પારાવાર નુકસાનઃ જે ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસ્યા છે તે નાની ખાખરના બટુકસિંહ જાડેજાએ etv Bharat સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, નર્મદા કેનાલમાં ગાબડું પડતાં તેમના ખેતરમાં પાણી ઘૂસ્યા હતા અને આટલા સમયથી ઓછું પાણી હતું પરંતુ ગઈકાલે જ વધારાનું પાણી આવ્યું હતું. ખેતરમાં 6થી 7 એકરમાં બાજરાનો પાક તેમજ 30થી 40 મણ એરંડાનો પાક ઉતારીને રાખવામાં આવ્યો હતો. જેમાં કેનાલના પાણી ઘુસતા પારાવાર નુકસાન થયું છે. અંદાજિત 15 લાખનું નુકસાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. 2 ખેતરો વચ્ચે કેનાલ પસાર થાય છે પરંતુ બોરની લાઈન કેનાલથી 10 ફૂટ નીચે છે અને તે પણ કેનાલના કામ વખતે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા નાખી આપવામાં આવી હતી. તેમજ આ પાઈપલાઈનના સ્થળે ગાબડું નથી પડ્યું. નબળી ગુણવત્તાના કારણે ગાબડું પડ્યું છે. ગાબડું પડતા કોન્ટ્રાકટર આવ્યો હતો અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.