કચ્છ : પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલાઓ માટે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજપૂત સમાજમાં વ્યાપેલી નારાજગીની આગ હજી શમી નથી. રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલન ભાગ 2 ના ભાગરૂપે ક્ષત્રિય નારી અસ્મિતા લડાઈ વેગવાન બનાવી છે. કચ્છના માતાના મઢથી શરૂ થયેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ આજે ભુજ આવી પહોંચ્યો હતો. આ રથનું ભુજમાં સ્વાગત કરી સ્વાભિમાન સંમેલન યોજવામાં આવ્યું હતું.
અસ્મિતા ધર્મ રથ : શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ અસ્મિતા ધર્મ રથનો પ્રવાસ કચ્છભરમાં કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિરોધ બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા ભુજના શક્તિધામ સ્વાભિમાનની સભા પણ યોજવામાં આવી છે. ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત ક્ષત્રિય સમાજમાં નારાજગી વધી રહી છે. રુપાલાની ટિકિટ રદ ન થતા રાજપૂતો કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની નેમ લઈ રહ્યા છે અને ભાજપને ડેમેજ કરવા મેદાને ઉતર્યા છે.
સ્વાભિમાનની લડાઈ : શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છના માતાના મઢ ખાતેથી રાજકોટ ક્ષત્રિય સમાજના અસ્મિતા ધર્મ રથનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છના દસે-દસ તાલુકામાં આ ધર્મ રથ લઈ જવામાં આવી રહ્યો છે. ક્ષત્રિયોના સ્વાભિમાનની આ લડાઈ છે. શરૂઆતમાં ભાજપ સાથે કોઈ વેર હતો નહીં, પરંતુ ક્ષત્રિય સમાજની સામાન્ય માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, તેવું ન થતા હવે અમે ભાજપનો પણ વિરોધ કરી રહ્યા છીએ.
કરણી સેનાનો હુંકાર : રાજપૂતો સાથેની સંકલન બેઠક તેમજ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની બેઠકોમાં પણ માત્ર ભાજપના ચૂંટાયેલા ક્ષત્રિય આગેવાનોને બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ અમે અમારા નિર્ણય પણ મક્કમ છીએ અને હવે તો ખૂબ મોડું થઈ ગયું છે, જેનું પરિણામ આ ચૂંટણીમાં ભાજપને જોવા મળશે. ક્ષત્રિયોના સ્વાભિમાનની આ લડાઇમાં ભાજપને 14 થી 15 બેઠકનો ફટકો પડશે.