સુરત : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાઓ ઉપર આપવામાં આવેલા કથિત નિવેદન અંગે હવે ભાજપના નેતાઓ આક્રમક થયા છે. ભાજપ પ્રદેશ સી.આર.પાટીલ પછી હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદન વિશે પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નિવેદનના કારણે હવે ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છે, સાથે તેઓએ પ્રિયંકા ગાંધીના વલસાડ ખાતે આયોજિત સભાને લઈ પણ પ્રતિક્રિયા આપી હતી.
રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તે સંદર્ભમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેઓએ જણાવ્યું હતું કે જે રાજા રજવાડાઓ એ દેશને એક કરવા માટે બલિદાન આપ્યું તેમને કોંગ્રેસે બદનામ કરવા માટે કંઈજ બાકી રાખ્યું નથી. દેશને લૂંટવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હર્ષ સંઘવીએ પ્રિયંકા ગાંધીના વલસાડ ખાતે આયોજિત સભાને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી, સંઘવીએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીએ તેમના સંબોધનમાં આદિવાસી સમાજ માટે હિતની વાત કરી હતી પરંતુ તેઓ ભૂલી ગયા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજથી આવનાર મહિલા આજે રાષ્ટ્રપતિ બની છે. તેમનો વિરોધ આ જ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસનમાં આદિવાસી વિસ્તારોમાં પાણી અને રસ્તા નહોતા. મોદીના શાસનમાં ઘરે ઘરે પાણી પહોંચ્યું છે અને રસ્તાઓ બન્યા છે. આજે આદિવાસી વિસ્તારથી આવનાર દીકરીઓ રમતગમત ક્ષેત્રમાં ડંકો વગાડી રહી છે. કોંગ્રેસે મોરારજી દેસાઈ સરકારને તોડવાનું કામ કર્યું હતું. આદિવાસી સમાજને વિકાસથી દૂર રાખવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાયો હતો.