કચ્છ: પશ્ચિમ બંગાળના કોલકાતાની આર.જી. મેડિકલ કોલેજના તાલીમી તબીબ ઉપર સામુહિક દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવાયાની ઘૃણાસ્પદ ઘટનાના પગલે સમગ્ર દેશમાં ભારે આક્રોશનો માહોલ સર્જાયો છે. ત્યારે આ ઘટનાનો વિરોધનો પડઘો કચ્છ સુધી પણ પહોંચ્યો છે. રાષ્ટ્રવ્યાપી આદેશના પગલે આજે સવારે છ વાગ્યાથી આવતીકાલે સવારે છ વાગ્યા સુધી આઈએમએ ભુજ સાથે જોડાયેલા તબીબો ઈમરજન્સી સિવાયની આરોગ્ય સેવાઓથી અળગા રહેવાના છે.
ડોકટરો 24 કલાકની હડતાળ પર: ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના નિવાસી અને તાલીમી તબીબોએ સુત્રોચ્ચાર સાથે આ ઘટનાને લઈ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. તો પશ્ચિમ બંગાળની ઘટનાના અપરાધીઓને કડકમાં કડક સજા થાય અને તબીબો હોય કે કોઈ પણ મહિલા હોય તેના પર ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે એ માટે ખાસ કાયદો ઘડી તેનો અમલ કરાય તેવી માંગણી તબીબો દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર સમાજ માટે શરમજનક ઘટના: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજના સમર્થનમાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના નિવાસી અને તાલીમી તબીબોએ આજે હડતાળ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં પણ એદકમ સન્નાટો છવાયો હતો. દર્દીઓનો ધસારો પણ જોવા મળ્યો ન હતો. કોલકાતાની ઘટના ન માત્ર તબીબી બલકે સમગ્ર સમાજ માટે શરમજનક છે.
માત્ર આપાતકાલીન સેવાઓ ચાલુ રાખવામાં આવી: પશ્ચિમ બંગાળના કોલકાતાની ઘટનાનો વિરોધ કરવા માટે આઈએમએ ભુજ સાથે જોડાયેલા 280 જેટલા ડોકટર 24 કલાક માટે ઓપીડી સેવાથી અળગા રહેશે અને માત્ર આપાતકાલીન સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત જો અનિવાર્ય અને આપાતકાલીન હશે તો જ ઓપરેશન કરવામાં આવશે.
રાજય સ્તરિય સંગઠનના આદેશ મુજબ આગામી કાર્યક્રમ: ઉલ્લેખનીય છે કે ભુજની સિવિલ હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલો કે.કે. પટેલ, લેવા પટેલ, આયુષ સહિતની હોસ્પિટલોની ઓપીડી સેવા પણ આજે બંધ રાખવામાં આવી હતી. તો બીજી બાજુ ડેન્ટલ કલબ ભુજના 80 જેટલા ડોક્ટરોએ પણ સમર્થન આપી વિરોધમાં જોડાયા હતા. તો અદાણી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિવાસી તબીબો, તાલીમી તબીબો અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોએ સુત્રોચ્ચાર કરી આ ઘટનાનો વિરોધ નોધાવ્યો હતો.આગામી સમયમાં રાજય સ્તરિય સંગઠનના આદેશ અનુસાર આગળના કાર્યક્રમ આપવામાં આવશે.
કોઈ પણ મહિલા સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ: મહિલા ડોકટર પ્રતીક્ષા વાસ્તરીયાએ જણાવ્યું હતું કે, આ માત્ર કોઈ ડોકટરોનો પ્રશ્ન નથી પરંતુ અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ થઈ રહ્યા છે. ત્યારે આવી ઘટનાના વિરોધમાં દરેક જનતાએ જોડાવું જોઈએ. તમામ લોકોએ એકઠા થઈને એક અવાજ ઉઠાવવો જોઈએ. જેથી કોઈ પણ મહિલા સાથે આવો વર્તન અને આવી ઘટના ના ઘટે. આ ઘટનામાં જે કોઈ પણ દોષિત છે તેને પૂરેપૂરી સજા મળે તેવી માંગ છે.