બનાસકાંઠાઃ કલકત્તાની RG Kar મેડિકલ કોલેજમાં થયેલી મહિલા રેસિડેન્ટ ડોક્ટર્સ પરની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે દેશભરમાં ડોક્ટર્સ હડતાળ યોજીને પીડિતાને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. જ્યારે આજે પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજના ડોક્ટર્સ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટર્સ દ્વારા સૂત્રોચાર સાથે ડોક્ટર્સે વિરોધ નોંધાવી પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની માંગ કરી હતી.
કલેક્ટર કચેરીએ કર્યો સૂત્રોચ્ચાર આપ્યું આવેદનપત્ર
IMAની આગેવાનીમાં જિલ્લાના વિવિધ ડોકટરો એસોશિએશનના તમામ ડોક્ટર્સે પાલનપુર સિવિલ હોસ્પિટલથી રેલી નીકાળી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે ડોકટરોએ આવેદનપત્ર આપી દોષીતોને વહેલી તકે ઝડપી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. તેમજ જ્યાં સુધી આ ઘટનામાં ન્યાય નહીં મળે ત્યાં સુધી ઈંટર્ન ડોકટરોની હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે થરાદ ખાતે પણ ડોકટર એસોશિએશન દ્વારા સિનિયર મહિલા ડોકટર અને તેમના પરિવારને ન્યાય મળે તેમજ આવી ઘટનાઓ પર તુરંત પ્રભાવથી રોક લાગે તે દિશામાં પ્રયાસ થાય તે માટે સરકાર પણ કંઈક વિચારે અને આ માટે પગલાં ભરે તેવી માંગ કરી હતી.
આ હડતાલમાં સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોકટર્સ, ડીએનબી રેસિડેન્ટ ડોકટર્સ અને ઈન્ટર્ન ડોકટર્સ પણ જોડાયા હતા. ડોક્ટર્સનું કહેવું છે કે જે ઘટના બની તેનું ખૂબ જ દુઃખ છે ત્યારે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે આરોપીઓને ઝડપી કડક સજા કરવામાં આવે અને દેશભરના જે ડોક્ટર્સની સામે ફરી કોઈ આવી ઘટના ન બને તે માટેનો સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવા જોઈએ. જોકે હડતાલને લઈને ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી.