જૂનાગઢ: સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. ત્યારે હવે આગામી દિવસોમાં ખેડૂતો ચોમાસું પાકોની વાવણી કરવા માટે આગળ આવશે. ત્યારે વાવણી કરતા પૂર્વે ખેતર અને બિયારણની કેવા પ્રકારે માવજત અને કાળજી રાખવી જોઈએ. જેથી કરીને સારું કૃષિ ઉત્પાદન આવવાની સાથે રોગ અને જીવાતોના ઓછા ઉપદ્રવની વચ્ચે ખેડૂતો ચોમાસુ પાક સારો લઈ શકે તેને લઈને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે દિશાને નિર્દેશો આપ્યા છે.
ચોમાસાની ખેતી કરતા પૂર્વે રાખજો તકેદારી: આગામી બે-ચાર દિવસમાં જ હવે સમગ્ર રાજ્યમાં ખેડૂતો ચોમાસું ખેતીને લઈને વાવણી કાર્યમાં જોતરાતા જોવા મળી શકે છે, ત્યારે ચોમાસા દરમિયાન કરવામાં આવતી વાવણીને લઈને ખેડૂતોએ કેવી તકેદારી રાખવી જોઈએ. તેને લઈને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે ખાસ ચોમાસાની વાવણીને લઈને કેટલાક દિશા નિર્દેશો આપ્યા છે. તે મુજબ ખેતી કરવામાં આવે તો ખેડૂતો ખૂબ સારું કૃષિ ઉત્પાદન મેળવવાની સાથે રોગ અને જીવાતોના ઉપદ્રવ સામે પણ રક્ષણ મેળવી શકે છે.
બિયારણની પસંદગી અને રોગ ઉપદ્રવ સામે તકેદારી: ચોમાસા દરમિયાન ખેડૂતો સૌરાષ્ટ્રમાં મોટેભાગે મગફળી કપાસ અને અડદ મગ જેવા કઠોળ વર્ગના પાકોનું વાવેતર કરતા હોય છે. ત્યારે આ વાવેતર કરતાં પૂર્વે બિયારણની યોગ્ય ચકાસણી ચોક્કસ પણે ખેડૂતોએ કરવી જોઈએ. ખૂબ મોટા પ્રમાણમાં નકલી કે બિનઉપજાવ બિયારણો કેટલાક તત્વો દ્વારા બજારમાં વહેંચતા કરવામાં આવે છે. આવા બિયારણનું વાવેતર કર્યા પછી ખેડૂતોને ઉત્પાદન મળતું નથી.
કૃષિ તજજ્ઞોની સલાહ લીધા બાદ બિયારણની પસંદગી કરવી: ખેતી કાર્યમાં જે ખર્ચ થાય છે તે પણ ખેડૂતોને માથે પડે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ બિયારણની પસંદગી વૈજ્ઞાનિક ધોરણે અને કૃષિ તજજ્ઞોની સલાહ લીધા બાદ જ કોઈ પણ બિયારણની પસંદગી કરવી જોઈએ તેવું કૃષિ સંશોધનકારો ખેડૂતોના હિતમાં જણાવી રહ્યા છે. વધુમાં કોઈ પણ બિયારણ પ્રત્યે જરા પણ શંકા ઉપજે તેવા કિસ્સામાં જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સાથે અન્ય ખાનગી લેબોરેટરીમાં પણ બિયારણની ચકાસણી ચોક્કસપણે ખેડૂતોએ કરવી જોઈએ જેથી નકલી બિયારણથી ખેડૂતો બચી શકે છે.
મુંડાના ઉપદ્રવ સામે ખાસ તકેદારી: પાછલા પાંચેક વર્ષથી સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં મુંડાનું ઉપદ્રવ ખૂબ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાત મગફળીના ડોડવાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. જેને કારણે મગફળીનું ઉત્પાદન ખેડૂતોને મળતું નથી. આવી પરિસ્થિતિમાં વાવેતર કરતા પૂર્વે બિયારણ ની સાથે જ કેટલાક રસાયણો અને મુંડા પર ખૂબ જ અસરકારક કામ કરતી દવાનો પટ આપીને જો મગફળીનું વાવેતર કરવામાં આવે તો મુંડાના ઉપદ્રવ સામે ખેડૂતોને રક્ષણ મળી શકે છે.