ખેડાઃ મહુધા વિધાનસભા ક્ષેત્રમાં હેરંજ પ્રાથમિક શાળાના મેદાન ખાતે ધારાસભ્ય સંજય સિંહ મહીડાની ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મહુધા તાલુકામાં પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણમાં 58 ગામોના 195 લાભાર્થીઓને લાભ મળ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોની ચાવી આપવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં 1542 આવાસોનું લોકાર્પણઃ ખેડા જિલ્લાના છ વિધાનસભા ક્ષેત્રમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતર વિધાનસભામાં એન.સી.પરીખ સર્વોદય વિનય મંદિરના મેદાન ખાતે ધારાસભ્ય કલ્પેશ પરમારની ઉપસ્થિતિમાં, નડિયાદ વિધાનસભા ક્ષેત્રમાં નવા સ્વામીનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય પંકજ દેસાઇ, મહેમદાવાદ વિધાનસભામાં ખાત્રજ સ્વામીનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ,મહુધા વિધાનસભા ક્ષેત્રમાં હેરંજ પ્રાથમિક શાળાના મેદાન ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહીડા, ઠાસરા વિધાનસભા ક્ષેત્રમાં શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય યોગેન્દ્ર સિંહ પરમાર તેમજ કપડવંજ ખાતે જૂના એ.પી.એમ.સી માર્કેટ ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ખેડા જિલ્લામાં કુલ 1542 આવાસોનું લોકાર્પણ ધારાસભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.
વડા પ્રધાનની વર્ચ્યૂઅલી ઉપસ્થિતિઃ ખેડા જિલ્લામાં યોજાયેલ આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ભાજપના કાર્યકરો, હોદ્દેદારો સહિત નાગરિકો ઉમટી પડ્યા હતા.
અમે કાચા મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. આજે મને સરકાર તરફથી આવાસીય લાભો મળ્યા. કુલ 1 લાખ 20 હજાર રુપિયા મળતા હું પાકું મકાન બનાવી શકીશ...કોદરભાઈ(લાભાર્થી, મહુધા)
આજે મને સરકાર તરફથી 1 લાખ 20 હજાર રુપિયાની સહાય મળી છે. હવે હું મારા પરિવાર માટે પાકુ મકાન બનાવી શકીશ. હું સરકારનો આભાર માનું છું...પ્રભાતભાઈ(લાભાર્થી, ખેડા)