ખેડાઃ આજે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. બપોર બાદથી નડિયાદ, ડાકોર, મહેમદાવાદ, મહુધા તેમજ કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. કપડવંજમાં ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી છે. ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે.
કપડવંજમાં નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવઃ કપડવંજ શહેરમાં ત્રણેક કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના પટેલવાડા, કાછીયાવાડ અને મીનાબજારમાં પાણી ભરાઈ ગયા હતા. આ વિસ્તારો તળાવમાં ફેરવાયા હતા. પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી.
ખેડા જિલ્લામાં આજે નોંધાયેલો વરસાદઃ સમગ્ર ખેડા જિલ્લામાં આજે સૌથી વધુ 72 એમએમ વરસાદ કપડવંજ તાલુકામાં નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ 4 એમએમ ઠાસરા તાલુકામાં નોંધાયો હતો. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાંજે છ વાગ્યા સુધીના વરસાદમાં નડીયાદ 27 એમએમ, કપડવંજ 72 એમએમ, મહુધા 17 એમએમ, મહેમદાવાદ 37 એમએમ, માતર 13 એમએમ, કઠલાલ 16 એમએમ, ખેડા 18 એમએમ, ઠાસરા 4 એમએમ, ગળતેશ્વર 16 એમએમ, વસો 8 એમએમ વરસાદ નોંધાયો હતો.
ખેડૂતોમાં આનંદની લાગણીઃ ખેડા જિલ્લામાં દિવસોના વિરામ બાદ સાર્વત્રિક વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. મહત્વનું છે કે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે.