ખેડા : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી એલ્યુમિનિયમ કોઈલ ભરેલા વાહનની જ ચોરી થઇ હતી. ત્યારે સેવાલિયા પોલિસ દ્વારા 70 લાખ ઉપરાંતની કિંમતની એલ્યુમિનિયમ કોઈલ ભરેલી આઇસર મેનપુરાથી ઝડપી પાડવામાં આવી છે.
આ મામલામાં ચાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે અન્ય બે આરોપીઓ વોન્ટેડ છે.જેમને ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી હાલ ચાલુ છે... મુકેશભાઈ રાવલ (પીએસઆઈ, સેવાલિયા પોલિસ સ્ટેશન )
બે આરોપીઓ પકડાયાં : ઘટનાને પગલે થર્મલ પાવર સ્ટેશનની સિક્યુરિટીમાં મોટી ચૂક પણ સામે આવી છે. મામલામાં ખેડાની સેવાલિયા પોલિસ દ્વારા ચાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલિસ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે આરોપીઓ વોન્ટેડ છે. જેને ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી હાલ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
એલ્યુમિનિયમની કોઈલ ભરેલી આઈસરની ચોરી : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતેથી 70 લાખ ઉપરાંતની કિંમતની એલ્યુમિનિયમની કોઈલ ભરેલી આઈસરની ચોરી થવા પામી હતી. જેને અમદાવાદ ખાતે લઈ જવાની હોવાનુ અનુમાન છે. ઘટનાને પગલે સમયસૂચકતા વાપરી સેવાલિયા પોલિસે મેનપુરાથી ચોરેલી આઈસર સાથે ક્લીનરને ઝડપી પાડ્યો હતો. જે બાદ અન્ય એક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓની હાલ પોલિસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
થર્મલ પાવર સ્ટેશનની સુરક્ષા પર સવાલ : થર્મલ પાવર સ્ટેશનની સુરક્ષાને લઈને સિક્યુરિટીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેની વચ્ચે એલ્યુમિનિયમ કોઈલ ભરેલી આઈસરની બેરોકટોક ચોરી થઈ જવાની ઘટના બની છે. જેને લઈ પાવર સ્ટેશનની સિક્યુરિટીમાં મોટી ચૂક થઈ હોવાનુ સામે આવ્યું છે. ત્યારે પાવર સ્ટેશનની સિક્યુરિટી પર સવાલ ઉભા થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઘટનાને પગલે સિક્યુરિટી ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.