ગીર સોમનાથ : જૂનાગઢ, અમરેલી, સોમનાથ, પોરબંદર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા માછીમાર સમાજ આજથી વિધિવત રીતે માછીમારીની નવી સિઝનની શરૂઆત કરવા જઈ રહ્યો છે. ભાદરવા સુદ એકમના દિવસે ઝુંડ ભવાની માતાની પૂજા કર્યા બાદ ત્રીજના દિવસથી માછીમારીની શરૂઆત કરે છે.
ખારવા સમાજની પરંપરા : ખારવા સમાજની પ્રાચીન પરંપરા અનુસાર માછીમારીની નવી સિઝન શરૂ કરતાં પૂર્વે ખારવા સમાજના પ્રત્યેક વ્યક્તિ પાંચ દિવસ સુધી ચોરવાડ ઝુંડ ભવાની માતાના ચરણોમાં પરિવાર સાથે સમય વિતાવે છે. ચોરવાડ ઝુંડ ભવાની માતાનો મેળો શ્રાવણ વદ તેરસના દિવસે શરૂ થાય છે. ભાદરવા સુદ એકમના દિવસે માતાજીના ધ્વજારોહણ કરી ભાદરવા સુદ ત્રીજના દિવસે માછીમારીની શરૂઆત કરે છે.
ખારવા સમાજ પટેલ પ્રથા : ખારવાર સમાજમાં આજે પણ પટેલ પ્રથા સમાજ વ્યવસ્થાનો એક ભાગ બનેલી જોવા મળે છે. ખારવા સમાજના ઇતિહાસ સાથે જ્ઞાતિના પ્રમુખ એટલે કે ખારવા સમાજની પટેલ પ્રથા આજે પણ મહત્વ ધરાવે છે. ઝુંડ ભવાની માતાના મંદિરે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ શહેરો અને જિલ્લાના ખારવા સમાજના જ્ઞાતિના પટેલ હાજર રહે છે.
ઝુંડ ભવાની માતાનો મેળો : સમગ્ર મેળાનું આયોજન વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુ મોહનભાઈ કુહાડા દ્વારા આયોજિત થાય છે. જેમાં ખારવા સમાજના વ્યક્તિઓ પાંચ દિવસ દરમિયાન પોતાની હાજરી આપતા હોય છે. પાંચ દિવસના આ મેળામાં સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા સમાજના વ્યક્તિઓ સાથે મળીને સમાજ વ્યવસ્થા કઈ રીતે મજબૂત કરી શકાય અને સમાજના સામાજિક પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે થાય તથા માછીમારી સાથે જોડાયેલો સમાજ ઉદ્યોગને કઈ રીતે ઉન્નત બનાવી શકે તેની ચિંતા અને ચિંતન પણ થતું હોય છે.