અમદાવાદ: લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું. જો કે અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી.
રાજ શેખાવતે આપી હતી આત્મવિલોપનની ચીમકી: અમદાવાદ આવતાં પહેલા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની તૈયારી સાથે જણાવ્યું હતું કે, હું ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે પહોંચી રહ્યો છું. તમે બધા પણ ઉપસ્થિતિ દર્જ કરજો. અમદાવાદ એરપોર્ટ પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે, જો મને કે મારા ક્ષત્રિયો અને સમર્થકોને રોકાવામાં આવશે તો આત્મવિલોપન કરીશ. આ ચીમકીને કારણે પોલીસ દોડતી થઈ હતી. અને રાજ શેખાવત અમદાવાદ પહોંચતા જ તેની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પોલીસ અને રાજ શેખાવત વચ્ચેની ધક્કામુક્કીમાં રાજ શેખાવતની પાઘડી ઉતરી ગઈ હતી. આ મામલે પદ્મિનીબાવાળાએ જણાવ્યું કે પાઘડી એ ક્ષત્રિયોની આન બાન અને શાન છે. તેને અડતાં નહિ. અને કંઈ દુશ્મનો કે ગુંડા નથી કે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રૂપાલની તો કોઈ ધરપકડ કરવામાં આવી રહી નથી. ધરપકડ કરો તો માન સાથે કરો. આવું બીજી વાર નહિ ચાલે.
રૂપાલા સામેનો વિરોધ વેગ પકડી રહ્યો છે. ક્ષત્રિય સમાજની ધીરજ ખુટી હોય તેમ તેમણે આક્રમક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
પોલીસ વિભાગ એલર્ટ : ભાજપના હાઇકમાન્ડે રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને યથાવત રાખતાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. બીજી તરફ ક્ષત્રિય મહિલાઓએ આત્યંતિક પગલું લેવાની જાહેરાત કરતાં ક્ષત્રિય મહિલાઓ આવેશમાં આવીને કોઇ અનિચ્છનીય પગલું ભરે નહીં તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવાની ક્ષત્રિય સમાજની ચીમકી બાદ રાજ્ય સરકાર, ભાજપ સંગઠન અને પોલીસને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજના અને કરણી સેનાના કાર્યકરો પર વોચ રાખવામાં આવી રહી છે.